ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ ભાજપ અને વિરોધી પક્ષોએ ક્યારની કરી લીધી હતી. ભાજપનું સૂત્ર ‘મોદી હૈ તો મુમ‌િકન હૈ’ એ મોદી સરકારે કરેલી કામગીરીના પ્રચાર માટે જ તૈયાર કરાયું હતું, પરંતુ પુલવામા પછીના ઘટનાક્રમમાં પણ એ એકદમ ફિટ બેસી ગયું એ અલગ વાત છે. ભાજપે જેટલી ઝડપથી નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું એટલી જ ઝડપથી વિરોધ પક્ષો કન્ફ્યૂઝનમાં ફસાયા અને એવા ફસાયા કે હજુ સુધી બહાર નીકળી શક્યા નથી.

મોદીના વિકાસના તમામ દાવાઓ અને સરકારની છેલ્લાં સાડા ચાર વર્ષની કામગીરીની હકીકતોને નકારવા અને તાર્કિક રીતે દાવાઓને ખોટા ઠરાવવા માટેની તમામ તૈયારીઓ વિપક્ષ દ્વારા ખાસ કરીને કોંગ્રેસ દ્વારા કરી લેવામાં આવી હતી. આમ કરવામાં જૂઠાણાંઓનો આશરો લેવો પડે તો એવી હકીકતોને તોડી-મરોડીને રજૂ કરવા અને તથ્યનાં ખોટાં અર્થઘટન કરવા માટે નિષ્ણાતોની સેવા લઈને સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હતી.

યોજના એવી હતી કે તમામ વિપક્ષી નેતાઓ ભલે ક્યાંક અલગ-અલગ રીતે ચૂંટણી લડતા હોય તો પણ બધા આક્રમક બનીને મોદી અને કેન્દ્ર સરકાર પર તૂટી પડે અને મોદી સહિતના તમામ પ્રધાનો તેમજ ભાજપના નેતાઓ તેના બચાવમાં રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ જાય ત્યારે વિરોધ પક્ષના બધા નેતાઓ ખોટા અને એકલા મોદી જ સાચા એવું કેવી રીતે બની શકે? એવી દલીલ કરીને મતદારોને તેમની વાત પર વિશ્વાસ કરવા મજબૂર કરવા સુધીની તૈયારી હતી એટલે સરવાળે પ્રચાર જંગમાં એક તરફ મોદીની અને બીજી બાજુ વિપક્ષી નેતાઓની વિશ્વસનીયતા કસોટીની એરણે ચઢવાની હતી.

એ સ્થિતિમાં ચૂંટણીનાં પરિણામો અત્યંત રસપ્રદ બની રહેવાનાં હતાં. એક તરફ મોદી સરકારની યોજનાઓથી લાભાન્વિત થનારા મધ્યમવર્ગથી છેક છેવાડાના માનવી સુધીના લોકોના પ્રત્યક્ષ અનુભવ અને છતાં મોદી સરકારે કશું કર્યું નથી એવા ચૂંટણી પ્રચારના શોરબકોરમાં લોકોને વિભ્રમમાં નાંખી દેવાની તમામ તૈયારીઓને પુલવામામાં ત્રાસવાદી હુમલા અને એ પછી ભારતીય હવાઈદળની એર સ્ટ્રાઈકની ઘટનાએ સાવ નિરર્થક અને કચરાના ઉકરડા જેવી બનાવી દીધી છે.

બાલાકોટ પરની એર સ્ટ્રાઈક દ્વારા બદલાની કાર્યવાહી અને આપણા હવાઈદળના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવવા માટેની કાર્યવાહીએ લોકોમાં દેશભક્તિ-રાષ્ટ્રવાદનો જે જુવાળ અને જુસ્સો પ્રગટાવ્યો છે તેમાં હવે સરકારને અને ખાસ કરીને વડા પ્રધાન મોદીને ખોટા ઠરાવવાનું વિપક્ષ માટે મુશ્કેલ થઈ ગયું છે.

લોકોનો આ જુવાળ એ એક સ્વાભાવિક ઘટનાક્રમ છે અને તેમાં પાકિસ્તાન પર પ્રહાર કરવાની નિર્ણાયક શક્તિએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓ આરંભમાં પ્રતિકાત્મક એકતા દર્શાવ્યા પછી એર સ્ટ્રાઈક સહિતની બાબતો સામે તેમજ સરકાર અને હવાઈદળના દાવાઓ સામે શંકાઓ વ્યક્ત કરીને ગંભીર ભૂલ કરી બેઠા છે.

તેમને રાષ્ટ્રવાદી બનીને લોકલાગણી સાથે જોડાવાનું આવડ્યું નથી. તેમને આપણાંં સુરક્ષાદળો અને સેનાના શૌર્યની પ્રશંસા કરતાં પણ આવડ્યું નથી. પરિણામે એક તરફ વિપક્ષી નેતાઓનાં નિવેદનો પાકિસ્તાનમાં પ્રશંસા પામ્યાં અને ભારતમાં ટીકાને પાત્ર બન્યાં. વિપક્ષી નેતાઓ સ્વયં પોતાનાં કૃત્ય દ્વારા લોકનજરમાંથી ઊતરી ગયા છે. સેનાના શૌર્યને ભાજપ ચૂંટણીમાં વટાવવાનો પ્રયાસ કરે છે એવા આક્ષેપોથી વિપક્ષ લોકોની સહાનુભૂતિ મેળવી શકે તેમ નથી.

તાત્કાલિક વ્યૂહરચના બદલવી પડે એવી સ્થિતિમાં વિપક્ષો હવે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને તત્કાળ ભાજપના રાષ્ટ્રવાદનો તોડ તેમની પાસે નથી એ સ્થિતિમાં તેઓ રાષ્ટ્રવાદની ભાવનાને દેશના વિકાસ માટે નિરર્થક અને શાંતિ માટે જોખમી ગણાવવાની ડાબેરીઓની જૂની અને નકામી બની ગયેલી, નિષ્ફળ નિવડેલી થિયરીને અપનાવવાની દિશામાં આગળ વધતા હોવાનું જણાય છે. તેના માટે રાષ્ટ્રવાદનાં ખોટાં અને વિકૃત અર્થઘટન કરાવાઈ રહ્યાં છે.

લોકોને રાષ્ટ્રવાદના ઝનૂનમાંથી બહાર લાવવાના પ્રયાસ આગામી દિવસોમાં ઉગ્ર બનવાના છે. વિપક્ષો એક વાત ભૂલી જાય છે કે રાષ્ટ્રવાદ કે દેશભક્તિનો જુવાળ તો સ્વયંભૂ પેદા થયેલો છે, તેને નિરર્થક ગણાવીને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાથી વિપક્ષનું રાજકીય ‌િહત સિદ્ધ થવાની ગણતરી ખોટી પડવાની છે.

આ બાબતમાં ડાબેરીઓની થિયરીથી દૂર રહેવામાં જ મજા છે. રાષ્ટ્રવાદ એ શાંતિનું વિરોધી પરિબળ છે એવું સાબિત કરવાના પ્રયાસ થાય છે ત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે યુદ્ધ લડવામાં અને જીતવામાં રાષ્ટ્રવાદ જ ઉપયોગી સાબિત થયો છે અને થાય છે તથા પાકિસ્તાને તો ત્રાસવાદના સ્વરૂપમાં ભારત સામે દાયકાઓથી છદ્મયુદ્ધ છેડેલું છે.

આ યુદ્ધમાં અત્યાર સુધી માર ખાતા આવેલા ભારતે હવે હવે વળતો પ્રહાર કરવાનું શરૂ કર્યું છે તો તેમાં એક પ્રકારે લોકોની ઈચ્છાશક્તિનું પણ પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબને નકારવાથી વિપક્ષને ફાયદો થવાનો નથી.•

You might also like