લોધા કમિટિ આજે અહેવાલ સુપરત કરશે : ભારે સસ્પેન્શ

મુંબઈ : વર્ષ ૨૦૧૩માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટા કૌભાંડ બાદ ક્રિકેટની વિશ્વસનીયતાને ફટકો પડ્યા બાદ ગૌરવને જાળવવાના હેતુસર જસ્ટિસ લોધા કમિટિ આવતીકાલે ચોથી જાન્યુઆરીના દિવસે ધરખમ ફેરફાર કરવાના સૂચન કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.ધરખમ ફેરફાર કરવા માટેના સુચન કરવામાં આવે તે પહેલા બોર્ડે સંકેત આપ્યો છે કે ચિંતાની કોઇ જરૂર નથી. બોર્ડના અધિકારીઓ સંકેત આપી રહ્યા છે કે અહેવાલને સ્વીકારી જ લેવામાં આવે તે બાબત સાથે તેઓ બંધાયેલા નથી.

સુધારાને લઇને તખ્તો તૈયાર થઇ રહ્યો હોવાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ લોધા કમિટિ દરેક રાજ્યમાં એક એસોસિએશન માટે સૂચન કરી શકે છે. મળેલી માહિતી મુજબ આ સુધારાનો મુખ્ય હેતુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના છત્ર હેઠળ ક્રિકેટ એસોસીએશનની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં બીસીસીઆઈ સંલગ્ન ત્રણ એસોસિએશન છે જેમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનનો સમાવેશ થાય છે.

જ્યારે ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, બરોડા ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિશનનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં બે એસોસિએશન છે જેમાં આંધ્ર ક્રિકેટ એસોસિએશન અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનનો સમાવેશ થાય છે. હૈદરાબાદ શહેર હવે તેલંગાણા રાજ્યમાં આવે છે. અન્ય જે મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવી શકે છે તેમાં રાજ્ય એસોસિએશનમાં હોદ્દાઓ મેળવવાથી બીસીસીઆઈના હોદ્દેદારોને રોકવા માટેનો છે.

હાલમાં જ દિલ્હી ક્રિકેટ એસોસિએશનને લઇને હોબાળો મચેલો છે. જો લોધા કમિટિની ભલામણોને સ્વીકારવામાં આવશે તો બીસીસીઆઈમાં ધરખમ સુધારા થશે. ભારતીય બોર્ડના ચાવીરુપ અધિકારી જેમ કે અનુરાગ ઠાકુર અને રાજીવ શુક્લાને પણ તેમના રાજ્ય એસોસિએશનની બેઠકો છોડી દેવી પડશે. બીસીસીઆઈના સભ્યો આ ભલામણનો વિરોધ કરી શકે છે. બોર્ડના અધિકારીઓ માને છે કે, આ દરખાસ્તો બીસીસીઆઈના ઇતિહાસને ખતમ કરી દેશે.

You might also like