ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

રાણીપ અને વટવામાં ઘરફોડ
અમદાવાદઃ રાણીપ અને વટવામાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. રાણીપમાં અાવેલી શીતલ વાડી સોસાયટીના એક મકાનમાંથી રૂ. દોઢ લાખનાં ઘરેણાં અને રોકડની અને વટવામાં રત્નાપાર્ક સોસાયટીના એક મકાનમાંથી રૂ. ૫૦ હજારની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

તાપતી વખતે દાઝી જતાં અાધેડનું મોત
અમદાવાદઃ સરદારનગરમાં તાપણું કરી તાપી રહેલા એક અાધેડનું દાઝી જવાથી મોત થયું હતું. સરદારનગરમાં કુબેરનગર બી-વોર્ડ ખાતે રહેતા પ્રતાપજી ચેલાજી વાઘેલા તાપણું કરી તાપતા હતા તે વખતે અકસ્માતે અાખા શરીરે દાઝી જતાં તેમનું મોત થયું હતું.

સરસપુરમાં પાકીટની તફડંચી
અમદાવાદઃ સરસપુરમાં રૂ. ૫૬ હજારની રકમ સાથેના પાકીટની તફડંચી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરસપુરમાં પુષ્પરાજ એસ્ટેટ પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહેલ કશ્યપભાઈ ઠક્કરના એક્ટિવા ઉપર ભરાવેલ રૂ. ૫૬ હજારના પાકીટની ગઠિયાએ તફડંચી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૯૮ લિટર દેશી દારૂ, ૫૦ બોટલ વિદેશી દારૂ. ૧૨ બિયરનાં ટીન, એક કાર, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૭ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૪૪ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે ૧૪૪ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ પાંચ અને પાસા હેઠળ બે શખસની ધરપકડ કરવામાં અાવી હતી.

You might also like