લોકલ ટ્રેનમાં હવે ૪૬ ટકા જેટલો ભાડા વધારો ઝીંકાશે

નવી દિલ્હી: રેલવેની આર્થિક હાલત વધુ ને વધુુ કફોડી બની રહી છે. આ વાત સ્વયં રેલવેના અધિકારીઓ કહી રહ્યા છે. આના પગલે હવે એવા નિર્દેશો મળી રહ્યા છે કે તેની અસર રેલવે પ્રવાસીઓના ખિસ્સા પર પડી શકે છે. રેલવે ફરી એક વખત ભાડામાં વધારો કરે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

રેલવેયાત્રા વધુ મોંઘી બનશે અને આ વખતે ખાસ કરીને શહેરી એટલે કે લોકલ ટ્રેનોના ભાડામાં તોતિંગ વધારો ઝીંકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડને મોકલવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવમાં લોકલ ટ્રેનોનાં ભાડાં વધારવાની ભલામણ કરવામાં આવી છે, તેમાં એવી ભલામણ કરવામાં આવી છે કે એકથી નવ કિલોમીટર સુધી લાગુ પાડવામાં આવતા ભાડાની જગ્યાએ હવે એકથી પાંચ કિલોમીટર વચ્ચે ભાડા વધારો કરવો જોઇએ અને પછી પાંચથી છ કિ.મી.ની વચ્ચે ભાડા વધારો અમલી બનાવવો જોઇએ.

આ પ્રસ્તાવમાં સૌથી વધુ ભાડા વધારો ફર્સ્ટ કલાસના યાત્રીઓ પર સૂચવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ફર્સ્ટ કલાસના યાત્રીઓ પર ૪૭ ટકા ભાડા વધારો સૂચવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ચર્ચગેટથી દાદરનું ભાડું ફર્સ્ટ કલાસમાં અત્યારે રૂ.૩૪૦ છે તે વધીને હવે રૂ.પ૦૦ કરતાં વધી જશેે. જ્યારે સેકન્ડ કલાસનું લોકલ ભાડું ર૬ ટકા આસપાસ વધારવાના સંકેત મળી રહ્યા છે એટલે કે ચર્ચગેટથી દાદરનું સેકન્ડ કલાસનું વર્તમાન ભાડું રૂ.૧૩૦ છે તે હવે વધીને રૂ.૧૬૦ થઇ જશે.

લોકલ ટ્રેનોના ભાડા વધારાનો પ્રસ્તાવ હાલ રેલવે બોર્ડ સમક્ષ પડતર છે. રેલવે બોર્ડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. કદાચ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલ થોડા મહિના આ ભાડા વધારો પાછો ઠેલવામાં આવી શકે છે, કારણ કે સત્તાવાળાઓને ડર છે કે તે રાજકીય મુદ્દો બની ન જાય.

You might also like