સ્થાનિક બજારમાં કેસર કેરીની ઊંચી આવક

અમદાવાદ: સ્થાનિક ફ્રૂટ બજારમાં કેસર કેરીની આવક આવવાની શરૂ થઇ ગઇ છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં ગઇ કાલથી હરાજી શરૂ થઇ જતાં સ્થાનિક બજારમાં પણ આવક આવવાની શરૂ થઇ ગઇ છે. સ્થાનિક ફ્રૂટ બજારના વેપારીઓના કહેવા પ્રમાણે પાછલાં બે-ત્રણ વર્ષથી જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં કમોસમી વરસાદ કેરીના પાકને નડતો હતો અને તેના કારણે કેસર કેરીની આવક સ્થાનિક બજારમાં પણ મોડી આવવાની સાથે માલ પણ નબળી ગુણવત્તાવાળો આવતો હતો, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ ન નડતાં તથા અનુકૂળ ગરમીના કારણે કેરીના પાકને ફાયદો થયો છે.

સ્થાનિક બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ૧૦ કિલો મીડિયમ ક્વોલિટીની કેસર કેરીનો ભાવ રૂ. ૪૦૦થી ૫૦૦ની વચ્ચે રહેવાની ધારણા છે. આગામી એકથી બે સપ્તાહમાં સ્થાનિક બજારમાં કેરીની આવક વધવાની શરૂ થવાની સાથે જ ભાવમાં ઘટાડો જોવાઇ શકે છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષની સરખામણીએ આ વખતે ૧૫થી ૨૦ ટકા વધુ આવક આવવાની ધારણા સેવાઇ રહી છે.

૧૫ રૂપિયે કિલો તરબૂચ
એક બાજુ શાકભાજીના ભાવ ઊંચા છે તો બીજી બાજુ ઉનાળુ ફ્રૂટના ભાવ ઘટી રહ્યા છે. ૧૫ રૂપિયે કિલો તરબૂચ, ટેટી ૩૦ રૂપિયે કિલો બજારમાં વેચાય છે.

You might also like