સ્થાનિક સોનાના જ્વેલર્સ ચાંદીની જ્વેલરીના ઉત્પાદન તરફ વળ્યા

અમદાવાદ: સોનાના ઊંચા ભાવ તથા સરકારની નીતિના કારણે સ્થાનિક સોનાની જ્વેલરીના ઉત્પાદક હવે ચાંદીની જ્વેલરીના ઉત્પાદન તરફ વળ્યા છે. વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ચાંદીની જ્વેલરીનો ટ્રેન્ડ વધ્યો છે, જેના કારણે સ્થાનિક બજારમાં ચાંદીની જ્વેલરીની માગમાં પણ ઉછાળો નોંધાયો છે.

ચાંદીની જ્વેલરીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ચાંદીના ભાવમાં પાછલાં પાંચ વર્ષમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ ૧૫ ડોલર પ્રતિઔંસની સપાટીની આસપાસ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂ.૪૦ હજાર પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહ્યો છે. નીચા ભાવે ચાંદીની જ્વેલરીની ડિમાન્ડ વધી છે.

વૈશ્વિક બજારમાં ચીન, થાઈલેન્ડ અને તુર્કસ્તાનનું ચાંદીની જ્વેલરીમાં વર્ચસ્વ છે ત્યારે ભારતીય જ્વેલરીની ડિમાન્ડ પણ વધી છે. નોંધનીય છે કે પાછલાં પાંચ વર્ષમાં ચાંદીની જ્વેલરીની નિકાસમાં ચાર ગણો વધારો નોંધાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૦-૧૧માં ચાંદીની જ્વેલરીની નિકાસ ૫૬.૬ કરોડ ડોલરની થઈહતી જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં જ્વેલરીના નિકાસ વધીને ૨૯૫.૯ કરોડ ડોલરની સપાટીએ પહોંચી ગઈ છે.

સ્થાનિક જ્વેલર્સ એસોસિએશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સોનાની જ્વેલરીના ઉત્પાદન કરતાં ચાંદીની જ્વેલરીના ઉત્પાદનમાં ઊંચા વળતરને કારણે જ્વેલર્સ ચાંદીની જ્વેલરીના ઉત્પાદન તરફ વળ્યા છે.

You might also like