ઘરઆંગણે સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવાયો

અમદાવાદ: સરકારે સોનાની ખરીદી અંગેના ‘નો યોર કસ્ટમર-કેવાયસી’ના નિયમોમાં રાહત આપતાં તથા ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ફરી એક વાર તીખા નિવેદનના પગલે બુલિયન બજારમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં રૂ. ૨૫૦નો ઉછાળો નોંધાઇ રૂ. ૩૦,૮૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાનો ૦.૬ ટકા સુધારો નોંધાઇ ૧,૨૮૨ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો. દરમિયાન ચાંદીના ભાવમાં પણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં ચાંદીમાં એક ટકા ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદીમાં રૂ. ૪૦ હજારની સપાટી વટાવી રૂ. ૪૦,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે કેવાયસીના નિયમોમાં રાહત આપતાં પાંચથી સાત ટકા માગમાં વધારો થવાની શક્યતા પાછળ સ્ટોકિસ્ટોની લેવાલીના પગલે સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

You might also like