સપ્તાહમાં ઘરઆંગણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

અમદાવાદ: અમેરિકામાં ઇકોનોમી ડેટા સારા આવી રહ્યા છે, જેના પગલે ઇક્વિટી બજારમાં તેની સકારાત્મક અસર નોંધાઇ રહી છે. તો બીજી બાજુ ડોલરની મજબૂતાઇના પગલે સોનામાં ઘટાડો નોંધાયો છે. ૧૩૦૦ ડોલરની સપાટી તોડી નીચે ૧૨૭૧ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે.

સપ્તાહ દરમિયાન સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામે રૂ. ૨૫૦નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૬૦૦નો ઘટાડો જોવાયો છે. દિવાળીના તહેવારો પૂર્વે સોના અને ચાંદીમાં આવેલા ઘટાડાના પગલે ખરીદદારોમાં આનંદ જોવા મળી રહ્યો છે. દરમિયાન વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઇના પગલે રૂપિયામાં ઘટાડાની ચાલ નોંધાઇ છે. સપ્તાહ દરમિયાન રૂપિયો સાધારણ નવ પૈસા તૂટ્યો હતો. ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૫.૩૭ પૈસાના મથાળે બંધ જોવાયો હતો, જ્યારે પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૫.૨૮ પૈસાના મથાળે રૂપિયો બંધ નોંધાયો હતો.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે જ્વેલર્સ અને જ્વેલરી ખરીદદારોને રાહત મળે તેવા કેટલાક નિયમોમાં રાહત આપી છે ત્યારે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે.

જ્વેલરી શેરમાં ચમકારો જોવાઈ શકે
સરકારે જ્વેલર્સ અને જ્વેલરી ખરીદદારોને રાહત આપી છે. સરકારે રૂ. ૫૦ હજારના બદલે રૂ. બે લાખની જ્વેલરી ખરીદી પર પાનકાર્ડ આપવાનું રહેશે નહીં એટલું જ નહીં, ખરીદી અંગેના કેવાયસી નિયમોમાં પણ રાહત આપી છે. જ્વેલર્સ અને જ્વેલરી ખરીદદારોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-૨૦૦૨માંથી બહાર કર્યો છે, જેના પગલે હવે જ્વેલરી ખરીદવી વધુ સરળ રહેશે. સરકારે આપેલી રાહતના પગલે સોમવારે જ્વેલરી કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે.

એક સપ્તાહમાં જોવાયેલો સુધારો
કંપનીનું નામ ટકાવારીમાં ઉછાળો
પીસી જ્વેલર્સ ૧૩.૩૧ ટકા
ટીબીઝેડ ૬.૨૧ ટકા
થંગામાઇલ જ્વેલરી ૬.૪૬ ટકા
ગીતાંજલી જેમ્સ ૬.૯૬ ટકા
તારા જ્વેલર્સ ૫.૧૭ ટકા

You might also like