Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

રાજકોટના નરસંગપુરામાં આવેલા મેલડી મંદિરના મહંતની હત્યા કરી લાશ સળગાવી દેવાતાં સનસનાટી
અમદાવાદ: રાજકોટમાં નરસંગપુરા વિસ્તારમાં અાવેલા મેલડી માતાજીના મંદિરમાં વૃદ્ધ મહંતની હત્યા કરી લાશને સળગાવી દેવાતા અા ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી જુદી જુદી થિયરીથી તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી હત્યારાના કોઈ સગડ મળ્યા નથી.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટના નરસંગપુરા વિસ્તારમાં રુખડિયા કોલોની નજીક અાવેલા મેલડી માતાજીના મંદિરના વૃદ્ધ મહંત કાળુભાઈ જેઠવા ગઈરાતે મંદિરના પરિસરમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખસોએ ત્યાં અાવી કરણપીણ હત્યાના ઘા ઝીંકી મહંતની હત્યા કરી હતી. ૭૦ વર્ષીય મહંતની હત્યા કર્યા બાદ હત્યારાઓએ લાશને બહાર ખેંચી લાવી જલત પ્રવાહી છાંટી લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં વહેલી સવારે મંદિર નજીક લોકોના ટોળેટોળા ભેગા થયા હતા અને જાત જાતના તર્ક-વિતર્ક વહેતા થયા હતા. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મંદિર વિસ્તારને ડોગસ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટના નિશાનના મદદથી સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કડી પ્રાપ્ત થઈ નથી. તેમજ આ હત્યાની ઘટનામાં મંદિરમાં અારોપીઓએ લૂંટ કરી છે કે નહીં તે અંગેની પણ કોઈ ચોક્કસ વિગત હજુ સુધી જાણવા મળી નથી.

માર્ગ અકસ્માતોમાં ત્રણ મિત્રો, બે મહિલા સહિત દસનાં મોતઃ આઠ વ્યક્તિ ગંભીર
અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર બનેલી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દસનાં મોત થયાં હતાં. જ્યારે આઠ જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે બારડોલી-માંડવી રોડ પર દેવગઢ નજીકથી પૂરઝડપે પસાર થઇ રહેલ ટેન્કરે બાઇકને ટક્કર મારતાં બાઇકસવાર ત્રણ મિત્રો વિપુલ વસાભાઇ ચૌધરી, પંકજ રમેશભાઇ ચૌધરી અને જિજ્ઞેેશ ભીખાભાઇ ચૌધરીના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

તલાલાગીરમાં જેપુર ગામ પાસે ડમ્પરે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં હેનીબહેન ચૂડાસમા અને અજાયબહેન વાજા નામની બે મહિલાના મોત થયા હતા. જ્યારે આઠ મહિલાને ઇજા પહોંચી હતી. નેશનલ હાઇવે નં. ૮ પર તરસાલીબ્રિજ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બિજલ મહેશભાઇ પટેલ નામના યુવાનનું મોત થયું હતું. નડીઆદના મરીડા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલ રિક્ષા અને અન્ય એક રિક્ષા વચ્ચે અકસ્માત થતાં સામ્યા મરાનભાઇ નામની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. મોડાસા-ધનસુરા હાઇવે પર સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં ટ્રકચાલકનું મોત થયું હોવાનું જાણવા મળે છે તથા હળવદના ઘનશ્યામપુર નજીક કારની અડફેટે આવી જતાં શીતલબહેન રમેશભાઇ રાઠવા નામની યુવતીનું મોત થયું હતું.

બે યુવતી સહિત છ લાપતા
અમદાવાદઃ રખિયાલમાંથી રેશ્મા ‌નીલેશભાઇ મકવાણા, ઇસનપુરમાંથી ચક્ષુબહેન કૌશલ પંડ્યા, સોલામાંથી મીતેશભાઇ દશરથભાઇ પટેલ, ઘાટલોડિયામાંથી દિનેશભાઇ શંકરભાઇ પટેલ, રામોલમાંથી શિવાંગી નરેન્દ્રસિંહ રાજપૂત અને વટવામાંથી સુનીતા રામસિંગ ઠાકુર અચાનક લાપતા બનતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ ગોમતીપુરમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગોમતીપુરમાં બાલા સાચાની ચાલીમાં રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં ઘરફોડ ચોરી
અમદાવાદઃ વેજલપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વેજલપુરમાં વિવેકાનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલ કીર્તિધામ એપાર્ટમેન્ટના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ.સાડા ચાર લાખની કિંમતના ઘરેણાંની ચોરી કરી હતી.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૬૬ લિટર દેશી દારૂ, નવ બોટલ વિદેશી દારૂ, ર૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ર૮ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીનાં પગલાંરૂપે ૧૧૮ શખ્સની અટકાયત કરી છે.

વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like