Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

લાલચ અાપી ત્રણ સગીરાનાં અપહરણ થતાં ચકચાર
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ત્રણ સગીરાને ગઠિયાઓ લગ્નની લાલચ અાપી ઉઠાવી જતાં પોલીસે અા અંગે અપહરણના ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે નારણપુરાના રબારીવાસ નજીક અાવેલા ચામુંડાનગર ખાતે રહેતી એક સગીરાને તેના ઘર નજીકથી કોઈ અજાણ્યો શખસ ઉઠાવી ગયો હતો. જ્યારે ગોમતીપુર વિસ્તારમાં ચોકસીની ચાલી ખાતે રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને ગોમતીપુર ગામમાં રહેતાે મેહુલ સંજયભાઈ ગજ્જર નામનો શખશ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં શોધખોળ શરૂ કરવામાં અાવી છે. અા ઉપરાંત બાપુનગરમાં પન્નાલાલ એસ્ટેટ પાસે અાવેલ મણિલાલ મથુરદાસની ચાલી ખાતે રહેતી એક સગીરાને ઉત્તરપ્રદેશનો રહીશ કમરુદ્દીન નામનો શખસ અપહરણ કરી ઉઠાવી ગયો હતો.

સાણંદ રોડ પર અાવેલા ગેસ્ટ હાઉસમાં અાગ લાગતાં દોડધામ
અમદાવાદ: સરખેજ-સાણંદ રોડ પર અાવેલા એક ગેસ્ટ હાઉસમાં અાજે અચાનક જ વહેલી સવારે અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી.  અા અંગેની વિગત એવી છે કે સરખેજ-સાણંદ રોડ પર નીરજ બોડીપાર્ક પાસે અાવેલ સહુર ગેસ્ટ હાઉસમાં અાજે સવારે સાત વાગ્યાના સુમારે અચાનક જ અાગ લાગતાં લોકોએ નાસભાગ કરી મૂકી હતી. જોકે સદ્નસીબે અા ઘટનામાં કોઈ જાનહા‌િન કે કોઈને ઈજા થવા પામી નથી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયર ફાઈટરો તેમજ વોટર ટેન્કર સાથે તાત્કા‌િલક પહોંચી જઈ અાગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. અાગમાં થયેલ નુકસાન તેમજ અાગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અા અાગમાં ફર્નિચર તેમજ ગેસ્ટહાઉસની અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

સાબરમતીના પટમાં નરાધમે તરુણી પર બળાત્કાર ગુજાર્યો
અમદાવાદ: સાબરમતીના પટમાં એક તરુણીને બળજબરીપૂર્વક લઈ જઈ એક નરાધમે બળાત્કાર ગુજારતાં સરદારનગર પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે સરદારનગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીને મહેશ ઉર્ફે ખમણ તેજાભાઈ દરબાર નામના શખસે લલચાવી- ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અા શખસ તેને એક્ટિવા પર બેસાડી નંદીગ્રામ અાગળ સાબરમતીના પટમાં લઈ ગયો હતો, જ્યાં તરુણીને ધાકધમકી અાપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ અા શખસ તરુણીને ત્યાં છોડી નાસી છૂટ્યો હતો. અા અંગે તરુણીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમની સઘન શોધખોળ શરૂ કરી છે.

ટ્રકની તાડપત્રી કાપી ઘી ભરેલા ૬૦ ડબ્બાની ચોરી
અમદાવાદ: રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક એક ટ્રકમાંથી પતંજલિના ઘી ભરેલા ૬૦ ડબ્બાની તસ્કરોએ ચોરી કરતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે. અા અંગેની વિગત એવી છે કે પતંજલિના ઘીના ડબ્બા ભરેલી એક ટ્રક હરિદ્વાર તરફથી રાજકોટ તરફ અાવી રહી હતી ત્યારે રાજકોટના કુવાડવા નજીક હીરાસર ગામના પાટિયા પાસે ટ્રકચાલક ટ્રકને રોડની એક સાઈડ તરફ પાર્ક કરી સૂઈ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ટ્રકની તાડપત્રી કાપી નાખી ટ્રકમાંથી ૬૦ ડબ્બા જેટલા ઘીની ચોરી કરી હતી. અા ઘીના ડબ્બાની કિંમત અાશરે રૂ. ૩.૫૦ લાખ જેટલી થાય છે. જ્યારે સવારે ટ્રક ગોડાઉન પર પહોંચી ત્યારે ઘીનો જથ્થો ઓછો જોવા મળતાં અા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં અાવી છે.

રૂ. ૧.૫૦ લાખની ઘરફોડ ચોરી
અમદાવાદઃ રામોલમાં રૂ. ૧.૫૦ લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સ્વામિનારાયણ મંદિર પાસે અાવેલ મુક્તાનંદ પાર્ક સોસાયટીનાં એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ ઘરેણાં અને રોકડ રકમ મળી ૧.૫૦ લાખની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કાર, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સેન્ટ્રો કાર, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. સોલા સાયન્સ સિટી નજીકથી એક સેન્ટ્રો કારની, નારોલ સર્કલ પાસેથી એક રિક્ષાની અને ઘોડાસર સ્મૃતિ મંદિર નજીકથી એક બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંચ યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ
અમદાવાદઃ નરોડામાં વિજય મિલ પાસે અાવેલા સ્ટાફ ક્વાર્ટર ખાતે રહેતી ધર્મિષ્ઠા રાજુભાઈ સિંગારા, અાજ વિસ્તારમાં એસઅારપી ગ્રૂપ બે ખાતેથી વર્ષા સોલંકી, નિકોલમાં કેપી રેસિડેન્સી ખાતે રહેતી ભારતીબહેન સોની, અા વિસ્તારમાં સ્વામિનગર ખાતે રહેતી ઉર્વશી પંચાલ અને સરદારનગરમાં રહેતી પ્રીતિ બહેન ગુપ્તા રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.

દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેર પોલીસે દારૂ જુગારના અડ્ડા પર ઠેરઠેર દરોડા પાડી ૧૨૯ લિટર દેશી દારૂ, ૨૪૦ વિદેશી દારૂ, ૪૩૨ બિયરનાં ટીન, એક કાર, એક રિક્ષા, રૂ. પાંચ હજારની રકમ જુગારનાં સાધનો કબજે કરી ૨૬ શખસની ધરપકડ કરી હતી.

ત્રણ શખસની પાસા હેઠળ ધરપકડ
અમદાવાદઃ દારૂ-જુગાર સહિતની અન્ય ગેરકાનૂની પ્રવૃતિઓમાં સંડોવાયેલા ત્રણ શખસની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. જ્યારે તકેદારીના પગલારૂપે પોલીસે ૧૪ વ્યક્તિની અટકાયત કરી લોકઅપ ભેગા કર્યા હતા.

You might also like