Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

તરુણીને ફસાવી પાડોશી યુવાને બળાત્કાર ગુજાર્યો
અમદાવાદ: ઈસનપુરમાં રહેતી એક તરુણીને પાડોશી યુવાને ફસાવી તેના પર બળાત્કાર ગુજારતાં ઈસનપુર પોલીસે અા અંગે અારોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે ઈસનપુર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીને તેના ઘરની બાજુમાં રહેતા ચંદુ લક્ષ્મણભાઈ વાળા નામના શખસે પોતાની વાક્ચતુરાઈમાં ફસાવી હતી અને ત્યારબાદ તરુણીને જુદા જુદા પ્રલોભનો અાપી અા શખસ સુરત ખાતે લઈ ગયો હતો. અા અંગે તરુણીના પિતાએ અગાઉ અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. સુરત લઈ જઈ નરાધમે ધાકધમકી અાપી તરુણી પર બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમની ચુંગાલમાંથી છૂટ્યા બાદ તરુણીએ પોતાના ઘરે અાવી અા અંગે પિતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં અાવી છે.

મણિનગરમાં ફૂટપાથ પરથી ચાર વર્ષની બાળકીનું અપહરણ
અમદાવાદ: મણિનગર વિસ્તારમાં ફૂટપાથ પરથી ચાર વર્ષની એક બાળકીનું અપહરણ થતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મણિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.  અા અંગેની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં પ્રકાશનગર નજીક અાવેલ નટકમલ ફ્લેટ પાસેની ફૂટપાથ પર પોતાના પરિવાર સાથે રહેતા અને છૂટક મજૂરી કરી ભરણ-પોષણ કરતા રોહિત મફાભાઈ દાતણિયા મોડી રાતે ફૂટપાથ પર જ પોતાના પરિવાર સાથે સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યાે શખસ રાતના ૧૧.૪૫ વાગ્યાના સુમારે ફૂટપાથ પર અાવી તેની ચાર વર્ષની પુત્રી મમતાનું અપહરણ કરી તેને ઉઠાવી ગયો હતો. સવારે અા અંગે જાણ થતાં પરિવારના સભ્યોએ અાજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ પુત્રીનો કોઈ પતો ન મળતાં છેવટે પોલીસ ફરિયાદ નોંધાવવામાં અાવી છે. પોલીસે સઘન શોધખોળ શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પતો મળી અાવ્યો નથી.

વેપારી અને ખેડૂતનો ગળાફાંસો ખાઈ અાપઘાત
અમદાવાદ: ભાવનગર પંથકમાં એક વેપારી અને એક ખેડૂતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે.  અા અંગેની વિગત એવી છે કે ભાવનગરના અાંબાવાડી વિસ્તારમાં રહેતા અને અા જ વિસ્તારમાં ફર્નિચરનો શો-રૂમ ધરાવતા લોહાણા વેપારી યુવાન નિખીલહર્ષદભાઈ પોંદા (ઉં.વ.૩૫)એ ધંધો બરાબર ચાલતો ન હોવાથી મંદીથી કંટાળી જઈ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી.  અા ઉપરાંત ભાવનગર નજીક પા‌િલતાણાના ઠાડચ ગામે રહેતા અને ખેતીવાડી કરતા ખેડૂત હિંમતભાઈ પરષોત્તમભાઈ વાઘેલાએ પણ અગમ્ય કારણસર પોતાની વાડીએ જઈ ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. પોલીસે અાપઘાતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગટરનું જોડાણ કરતી વખતે ગેસ ગળતરથી એકનું મોતઃ ત્રણ ગંભીર
અમદાવાદ: કરમસદમાં ગટરનું જાણ કરતી વખતે ગેસ ગળતર થતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણને ગંભીર અસર પહોચતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે અાવ્યા હોવાનું જાણવા મળે છે.  અા અંગેની વિગત એવી છે કે કરમસદના સંદેસર રોડ પર અાવેલ પંચવટી વિસ્તારમાં નવા મકાનમાં ગટર જોડાણનું કામ ચાલતું હોય ચાર યુવકો ગટરની કુંડીમાં ઊતર્યા હતા. અા વખતે ગેસ ગળતર થતાં વિજય જીવણ તળપદા નામનાે યુવાન ગેસ ગળતરના કારણે બેભાન થઈ જતાં તેને તાત્કા‌િલક હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યો હતો, પરંતુ સારવાર મળતાં પહેલાં જ તેનું મોત થયું હતું.
જ્યારે અન્ય ત્રણ મજૂરો ભરત તળપદા, જયંતી તળપદા અને પરષોત્તમ તળપદાને પણ ગેસની ગંભીર અસર થતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે જ્યાં ત્રણેયની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. અા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલીસે અા અંગે સઘન તપાસ શરૂ કરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ શહેર કોટડા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. શહેર કોટડામાં અશોક મિલ પાસે અાવેલી ખાડાવાળાની ચાલી ખાતે રહેતી સગીરાને વિનય સાગરભાઈ ચૌહાણ નામનો શખસ લલચાવી ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નરોડા અને ઓઢવ વિસ્તારમાંથી બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજનિયા વાસ નજીકથી બાઈકની અને દેવી સિનેમા પાસેથી એક બાઈકની તેમજ ઓઢવમાં અાદિનાથનગર બસસ્ટેન્ડ પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૫૮ લિટર દેશી દારૂ, ૩૨ બોટલ વિદેશી દારૂ, ૭ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૩ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૯૭ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧૯૭ શખસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા બે માથાભારે શખસની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી અાપ્યા છે.

સરદારનગરમાં એક લાખની ઘરફોડ
અમદાવાદઃ સરદારનગરમાં રૂ. એક લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. કુબેરનગર અાઝાદ મેદાનની પાછળ અાવેલ ડી વોર્ડના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ. એક લાખની રોકડ રકમની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like