Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોતઃ છ જણાને ગંભીર ઈજા
અમદાવાદ: રાજ્યના જુદા જુદા બનેલા માર્ગ અકસ્માતોમાં પાંચ વ્યક્તિનાં મોત અને છ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે બાયડ રોડ પર બોરોલ ગામ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવાનોનાં મોત થયાં હતાં. બાયડ તાલુકાના લોક ગામના રહીશ અમિત રાઠોડ અને બુધાજી રાઠોડ બંને બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં બંનેનાં મોત થયાં હતાં. જ્યારે શામળાજી નજીક ખારી ગામ પાસે બાઈક અકસ્માતમાં ઈજા થવાથી એક રાહદારીનું મોત થયું હતું. ખેરાળુ-ચરસોલ રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ફલુ ગામના શિક્ષક જિજ્ઞેશભાઈનું મોત થયું હતું જ્યારે ચાર જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઈ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી બંને લાશને પીએમ માટે મોકલી અાપી હતી.
અા ઘટનાને પગલે ખેરાળુ રોડ પરનો ટ્રાફિક કાલકો સુધી જામ થઈ જતાં અનેક લોકો હાલાકીમાં મૂકાઈ ગયા હતા અને વાહનોની કતારો લાગી ગઈ હતી.

અા ઉપરાંત માતર-લીંબાસી રોડ પર ત્રાજ ગામ નજીકથી પસાર થઈ રહેલ ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ખાઈ જતાં અશોક પરમાર નામના એક યુવાનનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બે જણાને ગંભીર ઈજાઓ થઈ હતી.

જુગારના અડ્ડા પર દરોડોઃ રૂ.નવ લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદઃ સ્ટેટ વિજિલન્સ સ્કવોડે સુરતના પાલ ગામ નજીક ચાલતા એક જુગારના અડ્ડા પર છાપો મારી રૂ.નવ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. સુરતના પાલ ગામ આરટીઓ પાસે આવેલ શુભમ્ રેસિડેન્સીમાં ક્રિકેટના સટ્ટા બેટિંગનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની સ્ટેટ વિજિલન્સ સ્કવોડને બાતમી મળતાં શુભમ્ રેસિડેન્સીના ૧૦૪ નંબરના બંગલામાં છાપો મારી સેજલ મહેન્દ્ર પટેલ સહિત ચાર શખ્સને ઝડપી લઇ મોબાઇલ ફોન, રોકડ રકમ, લેપટોપ, ટીવી, કાર વગેરે મળી રૂ.આઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં આ શખ્સો અલગ અલગ લાઇનો પર ક્રિકેટના સોદા કરી કપાત કરાવતા હોવાનું જાણવા મળ્યું છે.

જમાલપુરમાં તસ્કરો રૂ.સવા લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા
અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં આવેલા એક મકાનનું તાળું તોડી તસ્કરોએ રૂ.સવા લાખની કિંમતના માલસામાનની ચોરી કરતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે જમાલપુર વિસ્તારમાં હેબતખાનની મસ્જિદ સામે આવેલ માસ્ટર બિલ્ડિંગના મકાનનું તાળું તોડી તસ્કરોએ કેમેરા, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી રૂ.સવા લાખની કિંમતની ચીજવસ્તુઓની ચોરી કરતાં આ અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં શાકમાર્કેટ નજીકથી પણ કોઇ ગઠિયાએ એક મહિલાના રૂ.૭૦૦ સાથેના પર્સની તફડંચી કરી હોવાનું જાણવા મળે છે.

દુકાનોનાં શટલ તોડી ચોરીના ગુના અાચરનાર શખસની ધરપકડ
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં દુકાનોનાં શટલ સિફતપૂર્વક તોડી ચોરીના ગુના અાચરનાર એક નામચીન શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં રાત્રી દરમિયાન દુકાનોનાં શટલ તોડી ગુના અાચરતો અને છેલ્લા કેટલાક વખતથી પોલીસના ચોપડે વોન્ટેડ ગુનેગાર સાદિક ઉર્ફે રબડી લિયાકત અન્સારી (રહે. શાહઅાલમ)ને ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દાણીલીમડા ચાર રસ્તા નજીકથી ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અા શખસે તાજેતરમાં જ અાંબેડકર બ્રિજ પાસે એક દુકાનનું શટલ તોડી લેપટોપ સહિતના મુદ્દામાલની ચોરી કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

રામોલની સગીરાનું અપહરણ
અમદાવાદઃ રામોલમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં ટોલટેકસ નજીક મહાકાળી હોટલની પાછળના ભાગે રહેતી એક સગીરાને કોઇ ભરત ઠાકોર નામનો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ટેમ્પો, રિક્ષા અને બાઇકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજ‌િનયાવાસ નજીકથી ટેમ્પાની અને જૂના વાડજમાં બીઆરટીએસ બસમથક પાસેથી એક રિક્ષાની અને પાલડી એનઆઇડી નજીકથી એક બાઇકની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૮૬ લિટર દેશી દારૂ, ૩૬ બોટલ વિદેશી દારૂ, પાંચ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૬,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૩ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીનાં પગલાંરૂપે પ૬ શખ્સની અટકાયત કરી છે.

સાબરમતી નદીમાંથી લાશ મળી આવી
અમદાવાદઃ જમાલપુર પુલ નીચે સાબરમતી નદીમાંથી એક આધેડની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જમાલપુર પુલ નીચે સાબરમતી નદીમાં એક આધેડની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં વાહનચોરીના બનેલા ગુનામાં સંડોવાયેેલ અને નાસતા ફરતા ગુનેગાર ઇલિયાસ મહંમદ શેખને પોલીસે સીટીએમ નજીકથી ઝડપી લીધો હતો.

You might also like