Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ડિપ્રેશનની બીમારીથી કંટાળી મહિલાએ અાપઘાત કર્યો
અમદાવાદ: ઘાટલોડિયા અને મેઘાણીનગર વિસ્તારમાં અપમૃત્યુની બે ઘટના બનવા પામી છે, જેમાં એક મહિલાએ અાત્મહત્યા કરી લીધી હતી જ્યારે એક યુવાનનું અકસ્માતે દાઝી જતાં મોત થયું હતું. ઘાટલોડિયા વિસ્તારમાં વર્ધમાનનગરની સામે અાવેલ અર્જુન રત્નમ્ એપાર્ટમેન્ટ ખાતે રહેતી ૬૦ વર્ષીય મૃદુલાબહેન અરવિંદભાઈ પરમાર નામની મહિલાએ ડિપ્રેશનની બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરે એસિડ પી લેતાં તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અાવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અા ઉપરાંત મેઘાણીનગર વિસ્તારમાં અાવેલી યોગેશ્વરની ચાલી ખાતે રહેતા કિશોરભાઈ છપ્પનભાઈ પટણી નામનો યુવાન પ્રાઇમસ પર રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે દાઝી જતાં તેનું પણ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વાયદા મુજબ મશીનરી નહીં અાપી લાખોની છેતરપિંડી
અમદાવાદ: વાયદા મુજબ મશીનરીની ડિલિવરી નહીં કરી રામોલના એક યુવાન સાથે રૂપિયા ૩૩ લાખની છેતરપિંડી કરનાર એક શખસ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે રામોલ ખાતે અાવેલી માનસી સોસાયટીમાં રહેતા કિર્તીકુમાર કેશવલાલ પટેલે થોડા વખત અગાઉ અમરાઈવાડીમાં શ્રીજી ઓફસેટ નામના કારખાના ખાતે અાંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે અાવેલ ક્રિસ્ટલ  ડિજીટલ કંપનીના માલિક અજયકુમાર સાથે મિ‌િટંગ કરી હતી અને સીટીસીપી મશીનની ખરીદી કરવા પેટે મશીનની કિંમતના ૭૦ ટકા એટલે કે રૂ. ૩૩ લાખ બેંક મારફતે એડ્વાન્સ અાપ્યા હતા અને બાકીનાં ૩૦ ટકા નાણાં મશીનરી ડિલિવરી બાદ અાપવાનાં હતાં, પરંતુ કંપનીના માલિકે સમયસર મશીનરી ન અાપતાં કી‌િર્તભાઈએ પૈસા પરત અાપવા માગણી કરી હતી, પરંતુ રકમ પણ ન અાપતાં અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં અાવી છે.

નર્મદા કેનાલમાંથી માતા-બે પુત્રીની લાશ મળી અાવતાં ભારે ચકચાર
અમદાવાદ: સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસેથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાંથી એક માતા અને તેની બે પુત્રીઓ સાથે લાશ મળી અાવતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગરનાં રહીશ જીતુબહેન નામની યુવતીનાં ધ્રાંગધ્રા ખાતે રહેતા વિજય ભરવાડ સાથે લગ્ન થયાં હતાં. દરમિયાનમાં કોઈ અગમ્ય કારણસર જીતુબહેન કોઈને કહ્યા વગર પોતાની બે માસૂમ પુત્રીઓ પ્રિયા અને પૂજાને લઈ ઘરેથી ચાલ્યાં ગયાં હતાં. પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પતો ન લાગતાં અા અંગે પોલીસને જાણ કરવામાં અાવી હતી.

દરમિયાનમાં દૂધરેજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી જીતુબહેન તેમજ તેમની બે માસૂમ પુત્રીઓની લાશ મળી અાવતાં અા ઘટનાએ અનેક રહસ્ય સર્જ્યાં હતાં, જોકે પ્રાથમિક તપાસમાં જીતુબહેને પુત્રીઓ સાથે સામૂહિક અાપઘાત કર્યા હોવાનું જાણવા મળે છે. અા ઘટનામાં મૃત્યુ પામેલ જીતુબહેન સગર્ભા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે મૃતકનાં પરિવારજનોની સઘન પૂછપરછ શરૂ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઓફિસનાં તાળાં તોડી છ કેમેરા સહિત ૪૫ હજારની મતાની ચોરી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં અાવેલ એક ઓફિસનાં તાળાં તોડી તસ્કરોએ છ કેમેરા સહિત રૂ. ૪૫ હજારની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે.  અા અંગેની વિગત એવી છે કે રખિયાલમાં ફેમેલ એસ્ટેટ ગુજરાત મોડલિંગ રોડ પર અાવેલ સાગર ટ્રેડિંગ નામની કંપનીના તસ્કરોએ રાત્રી દરમિયાન તાળા તોડી ડીવીઅાર, છ કમેરા અને રોકડ રકમ સહિત રૂ. ૪૫ હજારની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

નદીમાંથી યુવાનની લાશ મળી
અમદાવાદઃ સાબરમતી નદીમાંથી એક યુવાનની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જમાલપુર સપ્તઋષિના અારા નજીક સાબરમતી નદીમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી અાવતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ અમરાઇવાડીમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમરાઇવાડીમાં નાગરવેલ હનુમાન રોડ પર સતનામ એસ્ટેટ નજીકથી ૧૭ વર્ષીય સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૨૩ લિટર દેશી દારૂ, ૫૨ બોટલ વિદેશી દારૂ, ૧૪૪ બિયરનાં ટીન, એક રિક્ષા, એક કાર, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૭ શખ્સની ધરપકડ કરી છે.

ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નારોલ, ગોમતીપુર અને કાલુપુરમાંથી ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી ટેમ્પાની, ગોમતીપુર ગામ બસ સ્ટેન્ડ પાસેથી રિક્ષાની અને કાલુપુર અાર્શીવાદ માર્કેટ પાસેથી બાઈકની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

તકેદારીનાં પગલાંરૂપે ૧૯૯ની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા હેતુસર પોલીસે સાવચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારોમાંથી ૧૯૯ શખસની અટકાયત કરી હતી. અા ઉપરાંત દારૂના નશામાં ચકચૂર બની જાહેરમાં બખેડો કરતાં છ શખસોને પોલીસે ઝડપી લઈ લોકઅપ ભેગા કરી દીધા હતા.

You might also like