Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

એસટી બસમાં આગઃ તમામ મુસાફરોનો અદ્દભૂત બચાવ
અમદાવાદ: ભરૂચ અંકલેશ્વર હાઇવે પર સરદાર બ્રિજ નજીક એસટી બસમાં આગ ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. જોકે ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે રાજપીપળાથી આવી રહેલી એસટી બસ જ્યારે ભરૂચ અંકલેશ્વર રોડ પર સરદાર બ્રિજ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગતાં ડ્રાઇવર સતર્ક બની ગયો હતો અને તાત્કાલિક બસને રોડની એક તરફ લઇ બસમાં બેઠેલ ૧પથી ર૦ જેટલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. મુસાફરો નીચે ઊતરતાં થોડી વારમાં જ બસ ભડભડ સળગવા લાગતાં બસ આગમાં લપેટાઇ ગઇ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઇને રોડનો બંને તરફનો ટ્રાફિક થંભી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

સોલામાં ચોરીઃ મણિનગરમાં તફડંચી
અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો અને મણિનગર વિસ્તારમાં તફડંચીનો બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે સોલામાં આરસી ટેકનિકલ રોડ પર આવેલા ભાગવત બંગલોઝના એક મકાનનું તાળું તોડી તસ્કરોએ સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.એક લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે મણિનગરમાં દ‌િક્ષણી સોસાયટી નજીક પારસમણિ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી રૂ.૩૦,૦૦૦ની મતા સાથેના પર્સની તફડંચી થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

માર્ગ અકસ્માતમાં શિક્ષિકા સહિત છનાં મોત
અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇ વે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં શિક્ષિકા સહિત છ વ્યકિતનાં મોત થયાં હતાં. પોલીસે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે.  આ અંગેની વિગત એવી છે કે રાજકોટના નવા મવા સર્કલ પાસેથી સ્કૂટર પર પસાર થઇ રહેલ પાઠક સ્કૂલના શિક્ષિકા જાનકીબહેન દવેને ટ્રકે અડફેટે લેતાં તેમનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત થયું હતું. વંથલી રોડ પરથી પસાર થઇ રહેલ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ખાડામાં ખાબકી હતી. જેમાં ભાજપના કાર્યકર રાજુ રામા ખુટી નામના યુવાનનું મોત થયું હતું. પોરબંદરના મિયાણી રોડ પર બાઇક સ્લિપ થતાં ભરત નાગાભાઇ ભૂતિયા અને આ જ રોડ પર બાગેશ્રી નજીક બનેલા અકસ્માતમાં બાઇક સ્લિપ થતાં એક યુવકનું મોત થયું હતું. આ ઉપરાંત જસદણ આટકોટ રોડ પર ટ્રકે બાઇકને અડફેટે લેતાં છગનભાઇ લુહાર નામના વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે જામનગર ખંભાળિયા હાઇ વે પર નાગાર્જુન પેટ્રોલપંપ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતાં પૂજાભાઇ નામના આધેડનું મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટયો હતો. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૦૮ લિટર દેશી દારૂ, ૧૦ બોટલ વિદેશી દારૂ, ૩ર બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૭ શખ્સની ધરપકડ કરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ રામોલમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સિંઘવાઇ મંદિર પાસે એક સગીરાને તુષાર ઘનશ્યામભાઇ સુથાર નામનો શખ્સ લલચાવી ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના બાપુનગર અને ઘોડાસર વિસ્તારમાંથી બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. બાપુનગરમાં ઇ‌ન્ડિયા કોલોની પાસેથી એક બાઇકની, હરદાસનગર બસસ્ટેન્ડ પાસેથી એક બાઇકની અને ઘોડાસરમાં પુનિતનગર સર્કલ પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદઃ ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક આધેડની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક આધેડની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ વટવા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવા જીઆઇડીસીના ગેટ પાસેથી પસાર થઇ રહેલ સવિતાબહેન નામની મહિલાના ગળામાંથી પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like