ક્રાઇમ બ્રિફ: જાણો અમદાવાદ શહેરના ક્રાઇમ ન્યુઝ….

ઓઢવની ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં તસ્કરોએ ત્રાટકી આશરે રૂપિયા ૧.રપ લાખની માલમતાની ચોરી કરી હતી. ઓઢવમાં આવેલા અમી નામના કારખાનામાંથી રોકડ રકમ, સીસીટીવીના ડીવીઆર સહિત રૂ.૧.રપ લાખની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેર ઠેર દરોડા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેર ઠેર દરોડા પાડી પ૪૦ લિટર દેશી દારૂ, ૬૦ બોટલ વિદેશી દારૂ, ૩૬ બિયરના ટીન, એક એક્ટિવા, એક રિક્ષા રૂ.૧.રપ લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૬૦ શખસની ધરપકડ કરી આ અંગે ગુના દાખલ કર્યા છે.

લકઝરી બસ અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી એક લકઝરી બસ અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. નરોડા બેઠક નજીક પદ્માવતી કોમ્પલેકસની બાજુમાં પાર્ક કરાયેલી રૂ.૧પ લાખની કિંમતની લકઝરી બસની તસ્કરોએ વહેલી સવારે ઉઠાંતરી કરી હતી. આ ઉપરાંત ગેલેકસી ચાર રસ્તા પાસેથી એક લોડિંગ રિક્ષાની પણ ચોરી થતા પોલીસે ગુનો દાખલ કરેલ છે.

ચૂંટણીને અનુલક્ષી ર૬૮ ઇસમની અટકાયત
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે અગમચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ર૬૮ ઇસમોની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે.

પાસા હેઠળ ચાર શખસની ધરપકડ
અમદાવાદ: દારૂ અને જુગાર સહિતની અન્ય ગેરકાનૂની ગંભીર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર માથાભારે શખસોને પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી પાસા હેઠળ ઝડપી લઇ રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે.

You might also like