ક્રાઇમ બ્રિફ: જાણો અમદાવાદ શહેરના ક્રાઇમ ન્યુઝ….

દારૂ જુગારના અડ્ડા પર ઠેરઠેર દરોડા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેર ઠેર દરોડા પાડી ૩૮૪ લિટર દેશી દારૂ, ૧પ૬ બોટલ વિદેશી દારૂ, ૬૩ બિયરના ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૮૧ શખસની ધરપકડ કરી હતી.

ચૂંટણીને અનુલક્ષી ૩૪૯ ઇસમની અટકાયત
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી તકેદારીના પગલારૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૩૪૯ ઇસમની અટકાયત કરી હતી. આ ઉપરાંત દારૂ-જુગાર સહિતની અન્ય ગંભીર ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર ઇસમની પાસા હેઠળ ધરપકડ કરી જેલભેગાં કરી દેવાયા છે.

ઓઢવની સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદ: ઓઢવ વિસ્તારમાંથી એક સગિરાને ગઠિયો ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઓઢવ જીઆઇડીસી નજીક છાપરામાં રહેતી ૧પ વર્ષની એક સગીરાને કોઇ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બે રિક્ષા અને બે બાઇકની ઉઠાંતરી
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બે રિક્ષા અને બે બાઇકની તસ્કરોએ ઉઠાંતરી કરી હતી. કાલુપુર મ્યુનિસિપલ બસ ટર્મિનસ પાસેથી એક રિક્ષાની, નરોડા રોડ પર અજીત મિલ પાસેથી એક રિક્ષાની, સરસપુર કાચની મસ્જિદ પાસેથી એક બાઇકની અને રખિયાલ ચાર રસ્તા પાસેથી એક બાઇકની ઉઠાંતરી થઇ હતી.

બિનવારસી હાલતમાં વૃદ્ધની લાશ મળી
અમદાવાદ: પીપળજ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. આ વૃદ્ધનું મોત બીમારી અને વયના કારણે થઇ હોવાનું જાણવા મળે છે. મરનારનું નામ, સરનામું જાણવા મળ્યા નથી.

You might also like