Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ચિલોડા નજીક રિક્ષા પલટી ખાતાં મહિલાનું મોતઃ બે ગંભીર
અમદાવાદ: ગાંધીનગર નજીક ચિલોડા પાસે મુસાફરો ભરેલી રિક્ષા અચાનક પલટી ખાઇ જતાં એક મહિલાનું ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે ચિલોડા હિંમતનગર હાઇ વે પર મહુન્દ્રા ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહેલી એક રિક્ષા ડિવાઇર સાથે અથડાઇને પલટી ખાઇ જતાં રિક્ષામાં બેઠેલ ચંપાબહેન નામની ૬૦ વર્ષીય મહિલાનું ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હતું. જ્યારે બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેને ૧૦૮ મારફતે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

કારનો વિચિત્ર અકસ્માતઃ કાર ચાલકનું મોત નિપજ્યું
અમદાવાદ: વીરપુર-જેતપુર હાઇ વે પર એક કારને વિચિત્ર અકસ્માત નડતાં કાર ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે રાજકોટ ખાતે રહેતા ચંદ્રેશ માખીજા અને તેનો ભાણેજ રવિ અમલાણી બંને કારમાં વીરપુર-જેતપુર હાઇ વે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બે ટાયર પર ઊભી થઇ ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાને કારણે ચંદ્રેશ માખીજાનું ઘટનાસ્થળે જ મોત થયું હતંુ. જ્યારે રવિને ગંભીર ઇજાઓ પહોંચતાં રાજકોટની હો‌સ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચંદ્રેશ માખીજા ફ્રૂટના હોલસેલ વેપારી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુમ થયેલા બે સગા ભાઇઓની લાશ કેનાલમાંથી મળી આવતાં અરેરાટી
અમદાવાદ: ઇડર નજીક બાબસર ગામની સીમ નજીકથી પસાર થતી કેનાલમાંથી ગુમ થયેલા બે સગા ભાઇઓની લાશ મળી આવતાં આ ઘટનાએ ભારે અરેરાટી ફેલાઇ છે. આ બનાવ અકસ્માતનો છે કે હત્યાનો? તે અંગે ભારે તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે પોલીસે જુદી જુદી થિયરીથી સઘન તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે ઇડર નજીકના બાબસર ગામે રહેતા શંકરભાઇ જેઠાભાઇના બે પુત્ર અરજણ (ઉં.વ.૧ર) અને લોસી (ઉં.વ.૧૦) આ બંને ભાઇઓ રમતા રમતા અચાનક ગુમ થઇ ગયા હતા. પોલીસે તેમજ ઘરના સભ્યોએ સઘન શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બંને ભાઇઓનો કોઇ પતો મળી આવ્યો નહોતો. દરમિયાનમાં બાબસરની સીમમાંથી પસાર થતી કેનાલમાં બે મૃતદેહો તરતા હોવાની જાણ થતાં કેનાલના કાંઠે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં અને બંને લાશની ઓળખવિધિ થઇ હતી.  આ ઘટના અકસ્માતની છે કે હત્યાની? તે અંગે ભારે ચકચાર જાગી છે. પોલીસે આ અંગે હાલ અકસ્માતનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કર‌ી છે.

વૃદ્ધાના ગળામાંથી સોનાની માળાની ચીલઝડપ
અમદાવાદ: ગાંધીનગર સેકટર ૩ ખાતે રામકથા સાંભળી ઘરે પરત ફરી રહેલી વૃદ્ધાના ગળામાંથી રૂ.૪૦,૦૦૦ની કિંમતની સોનાની માળાની ચીલઝડપ કરી બે ગઠિયા ફરાર થઇ ગયા હતા.  આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેકટર ૩ ખાતે રહેતાં કૈલાબહેન દશરથભાઇ અમીન નામનાં વૃદ્ધા બપોરના સુમારે રામજી મંદિરથી રામકથા સાંભળી ઘરે પરત ફરતાં હતાં ત્યારે પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા તેમના ગળામાંથી અઢી તોલા સોનાની મગમાળાની તફડંચી કરી ફરાર થઇ ગયા હતા.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૮૩ લિટર દેશી દારૂ, ૩૬પ બોટલ વિદેશી દારૂ, ૩ર બિયરનાં ટીન, બે કાર, એક રિક્ષા, એક બાઇક, રૂ.ર૭,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ર૦ શખ્સની ધરપકડ કરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ વટવામાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં બીબી તળાવ નજીક રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના કાલુપુર અને ગોમતીપુર વિસ્તારમાંથી બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુરમાં રેલવે સ્ટેશન નજીકથી એક બાઇકની અને કાલુપુરબ્રિજ નજીકથી એક બાઇકની તેમજ ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

રેલવે સ્ટેશન નજીકથી લાશ મળી
અમદાવાદઃ મણિનગર રેલવે સ્ટેશન નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મણિનગર રેલવે સ્ટેશન નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. મરનારનું નામ-સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળી નથી.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ ઘરફોડ તેમજ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા રીઢા ગુનેગાર ઇ‌િમ્તયાઝઅલી હુસેનભાઇ સૈયદને પોલીસ ચંડોળા તળાવ પાસેથી ઝડપી લઇ લોકઅપ ભેગો કરી દીધો છે. આ શખ્સે શહેરના જુદા જુદા વિસ્તારમાં ગુના આચર્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

You might also like