ક્રાઇમ બ્રિફ: જાણો અમદાવાદ શહેરના ક્રાઇમ ન્યુઝ….

નરોડામાં સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: નરોડા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નરોડામાં ગેલેકસી સિનેમા રોડ પર ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સ પાસેથી બાઇક પર પસાર થઇ રહેલ રાજેશભાઇ ચાવલાના ગળામાંથી ગઠિયાઓ રૂ.૪૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદ: શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૧૬ લિટર દેશી દારૂ, ૧પ૪ બોટલ વિદેશી દારૂ, ર૦ બિયરના ટીન, એક સ્કૂટર, એક બાઇક, એક કાર, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૭૧ શખસોની ધરપકડ કરી છે.

વટવાની સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદ: વટવા વિસ્તારમાં રહેતી એક સગીરાને ગઠિયો ઉઠાવી થતાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. વટવામાં પીપળજ કેનાલ નજીક છાપરામાં રહેતી ૧પ વર્ષીય સગીરાને કોઇ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી અજ્ઞાત સ્થળે ઉઠાવી જતાં આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તકેદારીનાં પગલાંરૂપે પ૪૩ની અટકાયત
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે પ૪૩ શખસોની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધાં છે. આ ઉપરાંત દારૂ તેમજ જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૧ર શખસોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

નાસતો-ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદ: ઘરફોડ અને વાહનચોરીમાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા રીઢા ગુનેગાર મુસ્તાક નબીર અહેમદને પોલીસે સીટીએમ ચાર રસ્તા નજીકથી ઝડપી લઇ તેની સઘન પૂછપરછ શરૂ કરતા અગાઉ બનેલા બે ગુનાના ભેદ ઉકેલાયા હતા.

You might also like