ક્રાઇમ બ્રિફ: જાણો અમદાવાદ શહેરના ક્રાઇમ ન્યુઝ….

ઘાટલોડિયામાં ઘરફોડ ચોરી
અમદાવાદ: ઘાટલોડિયા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં હાઇલેન્ડ પાસે આવેલ અમોઘ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી લેપટોપ સહિતના રૂ.૪૭ હજારની કિંમત સાથેની બેગની ચોરી થતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: નારણપુરમાં સોનાનાં દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. નારણપુરામાં રંજન સોસાયટીના મુખ્ય ગેટ પાસેથી ચાલતા પસાર થતા માલતીબહેન જયંતીલાલ શાહના ગળામાંથી ગઠીયો રૂ.૩પ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયો હતો.

મૃત હાલતમાં બાળકી મળી આવી
અમદાવાદ: ‍ખોખરા વિસ્તારમાંથી મૃતહાલતમાં ત્યજી દીધેલ એક બાળકી મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ખોખરામાં પવિત્રકુંજ સોસાયટી સામે બ્રિજ નીચે કચરાનાં ડબ્બામાંથી બિનવારસી હાલતમાં એક મૃત નવજાત બાળકી મળી આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૬૦૦ લિટર દેશી દારૂ, ૬૩ર બોટલ વિદેશી દારૂ, પર બિયરના ટીન, ત્રણ બાઇક, બે રિક્ષા, એક કાર, એક સ્કૂટર, રૂ.પ૦ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૯૩ શખસોની ધરપકડ કરી આ અંગે ગુના દાખલ કર્યા છે.

સાવચેતીનાં પગલાંરૂપે ૧૧૧૧ની અટકાયત
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સાવચેતીનાં પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૧૧૧૧ શખસોની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટાં બની ધાંધલ-ધમાલ કરતા ર૯૮ દારૂડિયાને ઝડપી લેવામાં આવ્યા હતા.

You might also like