ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

યુવાનને માર મારી લૂંટી લીધો
અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં એક યુવાનને માર મારી લૂંટી લેવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરમતીમાં ચેનપુર નાળિયા પાસેથી બાઈક પર પસાર થઈ રહેલ ભાવેશભાઈ પટેલને બે અજાણ્યા શખસે રોકી માર મારી ૮ હજાર રૂપિયા રોકડા અને સોનાનો દોરો લૂંટી લેતા ગુનો દાખલ કરવામાં અાવ્યો છે.

શહેરકોટડામાં શિશુનું ભ્રૂણ મળી અાવ્યું
અમદાવાદઃ શહેરકોટડા વિસ્તારમાં અાવેલી અનિલ સ્ટાર્ચ મીલના બે નંબરના ગેટ સામે મોના એસ્ટેટ પાસેથી શિશુનું ભ્રૂણ મળી અાવતા અા અંગે સઘન તપાસ શરૂ કરવામાં અાવી છે. કોઈ સ્ત્રી બાળકનો જન્મ છુપાવવાના બદઈરાદે ભ્રૂણને રોડ ઉપર જ ફેંકી નાસી જવા હોવાનું પોલીસ માની રહી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારનાં અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૧૧ લિટર દેશી દારૂ, ૪૪ બોટલ વિદેશી દારૂ, ૩૨ બિયરના ટીન, એક રિક્ષા, એક બાઈક, રૂપિયા ૧૫ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૬ શખસની ધરપકડ કરી છે.

બે રીઢા વાહનચોર ઝડપાયા
અમદાવાદઃ વાહનચોરી ગુનામાં સંડોવાયેલા અંકિત ડાહ્યા અને જગદીશ નેનવાણીને પોલીસે હાંસોલ રોડ પરથી ઝડપી લીધા હતા. અા શખસોએ રાણીપ સહિત જુદા જુદા વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એક પલ્સર બાઈક કબજે કર્યું છે.

સાવચેતીરૂપે ૮૧ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી સાવચેતીના પગલારૂપે ૮૧ ઈસમની અટકાયત કરી જેલભેગા કરી દીધા છે. જ્યારે દારૂ-જુગાર સહિતની અન્ય ગેરકાનૂની પ્રવૃતિમાં સંડોવાયેલા ત્રણ શખસની પાસા હેઠળ ધરપકડ કરી છે.

You might also like