ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

વાડજમાં રૂ.પ૦ હજારની ઘરફોડ
અમદાવાદ: વાડજ વિસ્તારમાં પ૦ હજારની ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલ જોગણી માતાજીની ચાલીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂ.પ૦ હજારની કિંમતની માલમતાની ચોરી કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

સાપ કરડતાં યુવાનનું મોત
અમદાવાદઃ વટવામાં સાપ કરડવાથી એક યુવાનનું મોત નિપજ્યું હતું. વટવાના જેતલપુરમાં રાઇસ મિલ નજીક રહેતો વસ્તાભાઇ પ્રેમજીભાઇ મારવાડી યુવાન પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે સાપ કરડતાં તેનું એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૪પ લિટર દેશી દારૂ, ૧૮૦ બોટલ વિદેશી દારૂ, ર૪ બિયરના ટીન, બે સ્કૂટર, બે રિક્ષા, રૂપિયા એક લાખ દસ હજારની રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧પ૩ શખસોની ધરપકડ કરી છે.

ઘાટલોડિયામાં પાન પાર્લરના તાળાં તૂટ્યા
અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં એક પાન પાર્લરના તાળાં તોડી રૂ.૧,૬પ૦૦૦ની મતાની ચોરી કરવામાં આવી હતી. ઘાટલોડિયામાં સી.પી. નગર ચાર રસ્તા પાસે આવેલ પાન પાર્લરના તાળાં તોડી રોકડ રકમ, સિગારેટના પેકેટો સહિતની માલમતાની ચોરી થઈ હતી.

તકેદારીરૂપે પ૭રની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી પ૭ર ઇસમોની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત દારૂ-જુગાર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ઇસમોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like