Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

પીજીવીસીએલના નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ: પીજીવીસીએલના એક નાયબ ઇજનેર લાંચ લેતા લાંચ રુશવત વિરોધી બ્યૂરોના છટકામાં આબાદ ઝડપાઇ જતાં આ અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે પીજીવીસીએલ લીંબડી ડિવિઝનમાં આવતા ચૂડા સબ ડિવિઝનના નાયબ ઇજનેર એચ. વી. સતાણીએ કોન્ટ્રાકટર રાજેશ નારણભાઇ ચૌહાણ પાસે કોન્ટ્રાકટ પૂરો થયા બાદ બિલ પાસ કરી આપવા માટે રૂ.૧૦,૦૦૦ની માગણી કરી હતી. આ અંગે કોન્ટ્રાકટરે એસીબીમાં ફરિયાદ કરતાં ચૂડા સબ ડિવિઝન ખાતે પોલીસે છટકું ગોઠવી કોન્ટ્રાકટર રાજેશ ચૌહાણ પાસેથી રૂ.૧૦,૦૦૦ની રકમની લાંચ સ્વીકારતા નાયબ ઇજનેર સતાણીને પોલીસે આબાદ ઝડપી લીધા હતા. લાંચ લેતા ઝડપાયેલા નાયબ ઇજનેરની ધરપકડ બાદ તેને રાત પણ લોકઅપમાં વીતાવવી પડી હતી.

સાબરમતી નદીમાં ઝંપલાવી આધેડે આત્મહત્યા કરી
અમદાવાદ: રાણીપ વિસ્તારમાં રહેતા એક આધેડે સાબરમતી નદીમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી નાખતાં પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  આ અંગેની વિગત એવી છે કે રાણીપ વિસ્તારમાં નિર્ણયનગર રોડ પર પરસોત્તમનગર સોસાયટી પાસે આવેલા સુવર્ણા એપાર્ટમેન્ટમાં રહેતા પ૬ વર્ષીય કિશોરભાઇ ત્રિભોવનદાસ મિસ્ત્રી નામના આધેડે બપોરના ત્રણ વાગ્યાના સુમારે અગમ્ય કારણસર ગાંધી બ્રિજ નીચે સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી. આત્મહત્યા કરનાર આધેડના ઘરના સભ્યો તેમજ આજુબાજુમાં રહેતા લોકોની પોલીસે પૂછપરછ કરી નિવેદન લીધાં છે, પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોકકસ કારણ હજુુ સુધી જાણવા મળ્યું નથી. છેલ્લા કેટલાક વખતથી કિશોરભાઈ હતાશા ભોગવતા હતા અને કોઈ સાથે વાતચીત પણ કરતા ન હતા.

ITIના શિક્ષકનું અપહરણ થતાં સનસનાટી
અમદાવાદ: કડીની ભાગ્યોદય હોસ્પિટલ નજીકથી ધોળા દિવસે આઇટીઆઇના એક શિક્ષકનું ચાર શખ્સોએ બળજબરીપૂર્વક કારમાં ઉપાડી જઇ અપહરણ કરતાં આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે.

આ અંગેની વિગત અેવી છે કે કડી નજીકના કડર ગામે રહેતા અને કડીની એસ. કે. પટેલ આઇટીઆઇમાં ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા જગદીશભાઇ પટેલ તેમના પુત્રનાં લગ્ન હોઇ રજા પર હતા અને લગ્નની ખરીદી માટે કડી ખાતે આવ્યા હતા. જ્યારે તે ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી ઇકો કારમાં ચાર જણાએ આવી તેમને બળજબરીથી ખેંચી કારમાં ધકેલી દઇ તેમનું અપહરણ કરી નાસી છૂટયા હતા.

બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ ચોતરફ નાકાબંધી કરી અપહરણકારોને પકડી પાડવા જાળ બિછાવી હતી, પરંતુ અપહરણકારો કે શિક્ષકનો કોઇ પત્તો લાગ્યો નહોતો. તપાસ દરમિયાન આ ઘટના જમીન પ્રકરણમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ દિવસ બાદ પુત્રનાં લગ્ન છે ત્યારે પિતાના અપહરણની ઘટના બનતાં ભારે ચકચાર જાગી છે.

સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદ: રાણીપમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રાણીપમાં ચામુંડાના મંદિર પાસે ઠાકોરવાસમાં રહેેતી એક સગીરાને કોઇ દી‌િક્ષત પટેલ નામનો શખ્સ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. કાર અને

રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: શહેરના નરોડા અને જૂના વાડજ વિસ્તારમાંથી કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજ‌િનયા વાસ નજીકથી રિક્ષાની અને નવા વાડજમાં ચંદ્રભાગા સોસાયટી પાસેથી એક મારુતિ સુઝુકી કારની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના  અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૦૭ લિટર દેશી દારૂ, ૧૬ બોટલ વિદેશી દારૂ, ર૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ર૧ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે  ૧૬૭ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧૬૭ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ૧૩ શખસની પોલીસે ધરપકડ કરી હતી.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદ: ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી.

You might also like