ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

બોલેરો જીપ, રિક્ષા, બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ ઓઢવ અને નરોડામાંથી બોલેરો જીપ, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થઈ હતી. ઓઢવમાં રબારી વસાહત નજીકથી બોલેરો જીપની, જીઅાઈડીસી પાસેથી લોડિંગ રિક્ષાની અને નરોડામાં ગેલેક્સી સર્કલ પાસેથી બાઈકની ઉઠાંતરી થતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

મહિલાની સોનાની બંગડીની તફડંચી
અમદાવાદઃ બાપુનગરમાં સુરધારા સોસાયટી નજીકથી રિક્ષામાં બેસી પસાર થઈ રહેલી કંચનબહેન જેઠવા નામની મહિલાની નજર ચુકવી રિક્ષાચાલક અને તેના મળતિયાએ રૂપિયા ૧૮ હજારની કિંમતની સોનાની બંગડીની તફડંચી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૬૨ લિટર દેશી દારૂ, ૫૭૫ બોટલ વિદેશી દારૂ, ૩૨૬ બિયરના ટીન, બે સ્કૂટર, રૂ. દસ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૯ શખસની ધરપકડ કરી છે.

સાવચેતીરૂપે ૧૫૬ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૫૬ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૧૧ શખસની અને પાસા હેઠળ એક શખસની ધરપકડ કરવામાં અાવી છે.

કુબેરનગરમાં ચેઈન સ્નેચિંગ
અમદાવાદઃ કુબેરનગરમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કુબેરનગરમાં સરગમ ફ્લેટ પાસેથી પસાર થઈ રહેલ જિયાબહેન નરેન્દ્રભાઈ નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા રૂ. ૪૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી પલાયન થઈ ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like