Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

જીપ દીવાલ સાથે અથડાતાં એક જ પરિવારની ત્રણ વ્યકિતનાં મોત
અમદાવાદ: ડીસા ભીલડી રોડ પર ગત રાત્રેે બે વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ જીપ દીવાલ સાથે અથડાતાં એક જ પરિવારની ત્રણ વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે ચાર વ્યકિતને ગંભીર ઇજાઅો પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે દિયોદર તાલુકાના ઓઢા ગામના રહીશ લેબાભાઇ વાઘાભાઇ માજીરાણા પોતાના પરિવાર સાથે ડીસા નજીકના કંસારી ગામે સગાઇ વિધિનો પ્રસંગ પૂરો કરી જીપમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ભીલડી ગરનાળા પાસે કોઇ અજાણ્યા વાહને જીપને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માત બાદ જીપ દીવાલ સાથે અથડાતાં બનેલી ઘટનામાં જીપમાં બેઠેલ એક મહિલા, એક બાળક સહિત એક જ પરિવારની ત્રણ વ્યકિતના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચારને ગંભીર ઇજા પહોંચી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બસની અડફેટે આવી જતાં અમરતભાઇ પટેલ નામના આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે અમદાવાદ કઠલાલ રોડ પર દારાજીના મુવાડા પાસે બે ટેમ્પા સામ સામે અથડાતાં જ્યોત્સનાબહેન તળપદા નામની મહિલાનું મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝેર ગટગટાવી પ્રેમી પંખીડાંઅે આત્મહત્યા કરતાં ચકચાર
અમદાવાદ: લીંબડી નજીકના પાંદડી ગામે રહેતા પ્રેમી પંખીડાઓએ ઝેર ગટગટાવી સજોડે આત્મહત્યા કરી લેતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ અંગેની વિગત એવી છે કે લીંબડી નજીકના પાંદડી ગામે રહેતા સંજય વાલજીભાઇ અને તેજલ ઘનશ્યામભાઇ આ બંને યુવક-યુવતીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો, પરંતુ બંનેના પરિવારને આ સંબંધ સ્વીકાર્ય નહોતો.. આથી બંને પ્રેમી પંખીડાં એક થઇ શકે તેમ ન હોવાથી બંને જણા ૧પ દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયા હતા અને સીમમાં જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરમતીમાં ઝંપલાવી યુવતીએ જીવન ટુંકાવ્યું
અમદાવાદ: નિકોલ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવી નાખતાં પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં મોહનભાઇ પાર્ક પાસે આવેલ ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ ખાતે રહેતી પૂજાબહેન રામચંદ્ર ગોયર નામની રપ વર્ષીય યુવતીએ બપોરે ૩-૦૦ વાગ્યાના સુમારે રિવરફ્રન્ટ ઇસ્ટ હનુમાન કેમ્પ સામે દશામાના મંદિર નજીક સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી. આ યુવતીએ આત્મહત્યા શા માટે કરી? તે અંગેનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે યુવતીના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકોનાં નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આનંદનગરમાં મકાનનાં તાળાં તૂટ્યાંઃ જોધપુરમાં ચીલઝડપ
અમદાવાદ: આનંદનગરમાં તસ્કરોએ એક મકાનનાં તાળાં તોડી ઘરેણાં સહિત માલમતાની ચોરી કરી હતી. જ્યારે જોધપુર ગામ નજીક સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે આનંદનગર વિસ્તારમાં વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલ શિખર ટાવરના એક મકાનનાં રાત્રી દરમિયાન તસ્કરોએ તાળાં તોડી સોનાના ઘરેણાં અને કેમેરાની ચોરી કરી હતી. આ ઉપરાંત જોધપુર ગામમાં આવેલા મંગલદીપ ફલેટ ખાતે રહેતી રમાબહેન કાંતિભાઇ મારુ નામની મહિલા સાંજના પ-૦૦ વાગ્યાના સુમારે જોધપુર ગામ રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટી નજીકથી ચાલતી પસાર થઇ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા આ મહિલાના ગળામાંથી રૂ.૬૦,૦૦૦ની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

કાળી ગામની સગીરાનું અપહરણ
અમદાવાદ: કાળી ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાળી ગામમાં રેલવે સ્ટેશન નજીક રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: શહેરના નરોડા અને ઓઢવ વિસ્તારમાંથી બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજનિયા વાસ નજીકથી એક બાઇકની, ગેલેકસી સિનેમા પાસેથી એક બાઇકની અને ઓઢવમાં જીઆઇડીસીના ગેટ પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૮ર લિટર દેશી દારૂ, ૧પ બોટલ વિદેશી દારૂ, ૪૮ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, એક કાર રૂ.૧૧,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી પ૭ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીના પગલાંરૂપે ૧૧૯ શખ્સની અટકાયત કરી છે.

વૃદ્ધની લાશ મળી
અમદાવાદ: સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. મરનારનું નામ સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળી નથી.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અગાઉ બનેલા ઘરફોડ, વાહન ચોરી તેમજ તફડંડીના બનાવમાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા ઇલિયાસ મહંમદ અન્સારીને પોલીસે મહેમદાવાદ રોડ પરથી ઝડપી લઇ લોકઅપ ભેગો કરી દીધો છે.

You might also like