ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

સ્વિફ્ટ કાર અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ નરોડા વિસ્તારમાં સ્વિફ્ટ કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં અાવેલી પાયલનગર સોસાયટી નજીકથી એક સ્વિફ્ટ કારની અને ગેલેક્સી ચાર રસ્તા નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રથયાત્રાને અનુલક્ષી ૫૪૭ની અટકાયત
અમદાવાદઃ અાગામી રથયાત્રાને અનુલક્ષી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૫૪૭ ઈસમની તકેદારીના પગલાંરૂપે અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણ શખસની પાસા હેઠળ ધરપકડ કરવામાં અાવી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૨૨ લિટર દેશી દારૂ, ૩૬૭ બોટલ વિદેશી દારૂ, ૪૦ બિયરનાં ટીન, ચાર કાર, એક સ્કૂટર, રૂ. ૨૧ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૩૨ શખસની ધરપકડ કરી છે.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારી અને વયના કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મરનારનું નામ-સરનામું જાણવા મળ્યું નથી.

સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઓઢવમાં કઠવાડા રોડ પર અાવેલી ફેબ્રિકેશનની ફેક્ટરી નજીકથી ૧૫ વર્ષની એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં શોધખોળ શરૂ કરવામાં અાવી છે.

http://sambhaavnews.com/

You might also like