સ્થાનિક ફટાકડા ઉદ્યોગ ચમકી શક્યો નહીં

અમદાવાદ: કેન્દ્ર સરકારે ચાઇનીઝ ફટાકડા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં આ વર્ષે સ્થાનિક ફટાકડા ઉદ્યોગ ચમકી શક્યો નથી. ઉદ્યોગ સંગઠન એસોચેમના રિપોર્ટ મુજબ સરકાર દ્વારા ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન કરતાં એકમો તથા ચાઇનીઝ ફટાકડા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરાયા છતાં પણ સ્થાનિક ફટાકડા ઉદ્યોગના કારોબારમાં અપેક્ષા મુજબનો સુધારો જોવા મળી શક્યો નથી.
એસોચેમના સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે બજારમાં ચાઇનીઝ ફટાકડાનો મોટો સ્ટોક જમા છે ત્યારે અમદાવાદ સહિત લખનૌ, જયપુર, દિલ્હી, મુંબઇ જેવાં મોટાં શહેરોમાં ચાઇનીઝ ફટાકડા ગેરકાયદે વેપારીઓ દ્વારા વેચવામાં આવી રહ્યા છે. એસોચેમના રાષ્ટ્રીય મહાસચિવ ડો. એસ. રાવતના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં ફટાકડાની માગમાં ૩૫થી ૪૦ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સાથેસાથે ગેરકાયદે ચાઇનીઝ ફટાકડાની આયાત પણ મોટા પ્રમાણમાં થઇ છે, જેના કારણે સ્થાનિક ફટાકડા ઉદ્યોગને એક અંદાજ મુજબ રૂ. એક હજાર કરોડ કરતાં વધુ નુકસાન ગયું છે એટલું જ નહીં ફટાકડાની કિંમતમાં ૧૦થી ૧૫ ટકાના સુધારાના કારણે પણ વેચાણમાં નકારાત્મક અસર પડી છે.
અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઇ, દિલ્હી, મુંબઇ, પુણે સહિત દેશનાં મોટાં શહેરોમાં ફટાકડા ફોડવા સામે સ્વાસ્થ્ય જાગૃતિની વિવિધ એજન્સીઓ દ્વારા ચલાવાતા અભિયાનના કારણે પણ વેચાણ કારોબાર ઉપર અસર થઇ છે.

You might also like