રાજકોટ-જામનગરમાં પંજાના હાથમાં સત્તા અમદાવાદમાં કમળ ખીલશે પણ બેઠકો ઘટશે

અમદાવાદ: રાજકોટ અને જામનગરમાં કોંગ્રેસના હાથમાં સત્તાના સુત્રો રહેશે જયારે અમદાવાદમાં ભાજપ ફરી સત્તા કબજે કરશે પરંતુ સીટોની સંખ્યા ઘટશે જયારે વડોદરા અને સુરતમાં મતદારો હજુ અકળ જણાય છે તેમ આઈબીનો અહેવાલ હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની ઇફેકટ નહિવત રહેવાનો અહેવાલ ગુપ્તચર તંત્રના સર્વે પરથી ફલિત થઇ રહ્યો છે.

તાજેતરમાં આઇબી દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં ભાજપનું કમળ ફરી ખીલશે પરંતુ આ વખતે સીટો ઘટશે અને કોંગ્રેસની સીટો વધશે. તો રાજકોટ અને જામનગરમાં કોંગ્રેસ સત્તા પર આવશે. જયારે વડોદરા અને સુરતમાં છેલ્લી ઘડી સુધી મતદારનો મિજાજ શું રહેશે તેના પર કોઇ સ્પષ્ટતા નથી જેથી સુરત અને વડોદરામાં કાંટાની ટક્કર રહેશે તેવુ આઇબી સર્વે પરથી જાણી શકાય છે.

ગુજરાતના ગુપ્તચર તંત્ર દ્વારા ચૂંટણી પહેલાનો સર્વે હાથ ધરાયો હતો, જેમાં પાટીદાર અનામત આંદોલનની ઇફેકટ તેમજ ભાજપ સામેનો અસંતોષ ઉમેદવારો પ્રત્યેનું મતદારોનું વલણ જેવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી. આ સર્વેમાં ઘણા મહત્વના મુદ્દા જાણવા મળ્યા છે, જેમકે મહાનગરપાલિકાઓમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક નહી હોય પરંતુ સ્પષ્ટ બહુમતી મેળવવી પણ અઘરી છે. જયારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને અણધાર્યું પરિણામ જાણવા મળે તો નવાઇ નહી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ અણધાર્યું આવે તેવી શક્યતા જણાય છે.

You might also like