રાષ્ટ્રપતિપદ માટે અત્યારથી લોબિંગ શરૂ થઈ ગયું

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ૨૦૧૭માં નિવૃત્ત થવાના છે, પરંતુ રાષ્ટ્રપતિપદ માટેના લોબિંગની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. એ જ વર્ષે ઉપરાષ્ટ્રપતિપદેથી હામિદ અન્સારી નિવૃત્ત થશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સંદર્ભમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી બે-ત્રણ સપ્તાહ પહેલાં સંઘના વડા મોહન ભાગવતને મળ્યા હતા અને પોતાની વાત રજૂ કરી હતી.

અડવાણી એવું ઇચ્છે છે કે, રાષ્ટ્રપતિપદની તેમની ઉમેદવારી અંગે મોહન ભાગવત સ્વયં નરેન્દ્ર મોદી સાથે વાત કરે અને તેમને એ માટે તૈયાર કરે. અડવાણીએ ભાગવતને ભારપૂર્વક એવું કહ્યું છે કે, જો એનડીએ તેમને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવશે તો એનડીએ ગઠબંધન બહારના અનેક પક્ષોનું પણ તેમને સમર્થન મળશે.

આ સંદર્ભમાં અડવાણીએ જનતાદળ (યુ)ના નેતા નીતિશકુમાર, રાષ્ટ્રીય જનતાદળના લાલુપ્રસાદ, બીજુ જનતાદળના નવીન પટનાયક અને અન્ના ડીએમકેના જયલલિતાનાં નામો ગણાવ્યાં હતાં. કહે છે કે, ભાગવતે અડવાણીને અત્યારે મૌન રહેવાની સલાહ આપી છે અને પહેલાં તેઓ મોદીનું મન જાણવાનો પ્રયાસ કરશે અને પછી તેમની ઉમેદવારી અંગે વાત કરશે એવું કહ્યું છે. અડવાણીએ ભાગવતની સલાહ માની છે.

દરમિયાન એનસીપીના શરદ પવાર પણ રાષ્ટ્રપતિપદ માટે પોતાને એનડીએના ઉમેદવાર બનાવવા નરેન્દ્ર મોદીને ઇશારો કરી ચૂક્યા છે. પવારની નજર દેશના બે સર્વોચ્ચ પદો પર છે. જો તેઓ ૨૦૧૭માં રાષ્ટ્રપતિ ન બની શકે તો ૨૦૧૯માં તેઓ વડાપ્રધાનપદ માટેના વિપક્ષના સર્વસંમત ઉમેદવાર બનવાની ઇચ્છા-અપેક્ષા રાખે છે.

You might also like