બિહારમાં બેઠકોની વહેંચણીના મુદ્દે LJP-ભાજપ સમાધાનના માર્ગે

નવી દિલ્હી: બિહારમાં એનડીએ ગઠબંધન સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આજે ભાજપ માટે થોડા રાહતના સમાચાર આવી શકે છે. ભાજપ અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના ચીફ રામવિલાસ પાસવાન વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે સમાધાન થવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને એલજેપીના નેતાઓ વચ્ચે થયેલી વાતચીત સકારાત્મક રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ભાજપ અને એલજેપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બીજા તબક્કાની વાતચીત થશે, જેમાં બેઠકોની વહેંચણીનો અંતિમ નિર્ણય લેવાશે. આજની બેઠક બાદ કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે. બીજી તરફ આજે સાંજે બિહારના મુખ્યપ્રધાન અને જનતાદળ (યુ)ના અધ્યક્ષ નીતીશકુમારને પણ દિલ્હી દરબારમાં બોલાવવામાં આવ્યા છે. બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન નીતીશ બેઠકોની વહેંચણી માટે ભાજપ અને એલજેપીના નેતાઓ સાથે બેઠક-મંત્રણા કરશે.

ઉલ્લેખનીય છે કે ઉપેન્દ્ર કુશવાહાએ એનડીએ છોડ્યા બાદ એલજેપી અને ચિરાગ પાસવાને ઉગ્ર અસંતોષ દર્શાવી નારાજગી વ્યક્ત કરી હતી. ચિરાગના ‌િટ્વટ્સને ગંભીરતાથી લેતાં ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દીધું છે. ગઈ કાલે આ ઘટનાક્રમમાં જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એલજેપી ચીફ રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ સાથે લાંબી બેઠક કરી હતી અને તેમની તમામ ફરિયાદો સાંભળી હતી.

અમિત શાહે બંનેને આશ્વાસન આપ્યું હતું કે ભાજપ તેના સહયોગી પક્ષોનું સન્માન જળવાઈ રહે તેનું પુરું ધ્યાન રાખશે અને સાથી પક્ષોની તમામ ચિંતાઓ પણ દૂર કરવામાં આવશે. શાહે એલજેપીના નેતાઓને તેમની તમામ માગણીઓનું સન્માનજનક સમાધાન આપવાની ખાતરી પણ આપી હતી. તેમણે ખાતરી આપ્યા બાદ પાસવાન પિતા-પુત્રએ એનડીએ ગઠબંધનને વધુ મજબૂત બનાવવા પૂરો સહયોગ આપવાની વાત જણાવી હતી.

આ ઘટનાક્રમમાં સૌથી પહેલાં ભાજપના મહાસચિવ અને બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગઈ કાલે સાંજે સંસદ ભવનથી સીધા જ ચિરાગ પાસવાનને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. થોડી વાર રોકાયા બાદ યાદવ ચિરાગ અને રામવિલાસ પાસવાનને સાથે લઈને અમિત શાહ પાસે ગયા હતા. આ બેઠક બાદ ભાજપ અને એલજેપીના નેતાઓની બોડી લેંગ્વેજ જોતાં તેમની વચ્ચે સુખદ સમાધાન થયું હોવાની વાત સાફ દેખાતી હતી.

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રામવિલાસ પાસવાન અને ચિરાગ ટિકિટોની વહેંચણી ઉપરાંત રામમંદિર નિર્માણના મુદ્દે પણ ચિંતિત છે. મંદિર મુદ્દે વટહુકમ લાવવાની વાતથી પાસવાન ચિંતામાં મુકાયા છે. એક દિવસ પહેલાં જ ચિરાગ પાસવાને ભાજપની ચૂંટણી રણનીતિ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધને વિકાસનો મુદ્દો લઈને આગળ વધવાની જરૂર હતી, પરંતુ રામમંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આ ઉપરાંત ચિરાગે યુવાનો અને ખેડુતોના મુદ્દા ઉઠાવતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ભરપેટ વખાણ પણ કર્યાં હતાં. ત્યારબાદ એક્શનમાં આવેલા અમિત શાહે પાસવાન અને એલજેપીના અન્ય નેતાઓને મનાવવાનું કામ શરૂ કર્યું હતું.

You might also like