દારૂ બનાવતી કંપનીના શેરમાં ઘટાડો

અમદાવાદ: દારૂ બનાવતી કંપનીઓને વેચાણમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. બિહાર બાદ હવે મધ્યપ્રદેશ પણ ધીમે ધીમે દારૂબંધી તરફ વળી શકે છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રવિવારે એક કાર્યક્રમમાં આ પ્રકારના સંકેતો આપ્યા હતા, જેના પગલે ગઇ કાલે દારૂ બનાવતી કંપનીના શેર સાત ટકા સુધી તૂટ્યા હતા.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં તબક્કાવાર દારૂબંધી લાગુ કરવામાં આવશે તેના ભાગરૂપે રાજ્યમાં નર્મદા નદીની પાંચ કિલોમીટરની રેન્જમાં આવતી દારૂની દુકાન બંધ કરવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસ દારૂની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.
જેના પગલે રેડીકો ખેતાન કંપનીના શેરમાં ૭.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે યુનાઇટેડ સ્પિરિટ કંપનીના શેરમાં ૬.૫૯ અને ગ્લોબલ સ્પિરિટ કંપનીના શેરમાં ૪.૯૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણ દેશનાં અન્ય રાજ્યમાં પણ આ પ્રકારની દારૂબંધીની અમલવારી થઇ શકે છે તેની ચિંતા દારૂ બનાવતી કંપનીઓને સતાવી રહી છે.

દારૂ બનાવતી કંપનીના શેર તૂટ્યા
યુનાઈટેડ સ્પિરિટ – ૬.૫૯ ટકા
યુનાઈટેડ બેવરેજિસ – ૨.૮૬ ટકા
ગ્લોબસ સ્પિરિટ – ૪.૯૦ ટકા
જીએમ બેવરેજિસ – ૪.૨૯ ટકા
સોમ ડિસ્ટિલરીઝ – ૨.૧૧ ટકા
પિનકોન સ્પિરિટ – ૨.૦૮ ટકા
http://sambhaavnews.com/

You might also like