બુટલેગરો રૂપિયા ૫૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ખેતરમાં રેઢો મૂકી ફરાર

અમદાવાદ: પોલીસની ધોંસના કારણે બુટલેગરો રૂ. ૫૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક મેઘરજ નજીકના ખેતરમાં બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટ્યા હતા. પોલીસે ટ્રક નંબરના અાધારે સઘન તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેન વિગત એવી છે કે રાજસ્થાન અને હરિયાણાથી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં અાવી રહ્યો હોવાની ગુપ્ત બાતમી મળતા પોલીસે સખત નાકાબંધી કરી હતી. પોલીસની ધોસથી ગભરાયેલા બુટલેગરોએ પોલીસને હાથતાળી અાપવાના નવા નવા નુસખા અપનાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ છટકબારી ન દેખાતાં એક બુટલેગર વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક મેઘરજ નજીક પીસલ ગામની સીમમાં અાવેલા ખેતરમાં રેઢી મૂકી તેના સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો.

ખેતરમાં એક બિનવારસી ટ્રક પડી હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ટ્રકની ઝડતી કરતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલી બોટલો ભરેલી પેટીઓ મળી અાવેલી. અા વિદેશી દારૂના જથ્થાની કિંમત અાશરે રૂ. ૫૦ લાખ જેટલી થાય છે.

જ્યારે બીજી તરફ પોલીસ ખેતરમાં પહોંચે તે પહેલા અાજુબાજુના લોકોએ પહોંચી જઈ દારૂની બોટલોની રીતસર લૂંટ ચલાવી હતી. પોલીસે ટ્રક નંબરના અાધારે અા ટ્રક ક્યાંની છે તે અંગે સઘન તપાસ શરૂ કરી અાશરે રૂ. ૬૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

You might also like