દારૂની લતે વેપારીના પુત્રને વાહનચોર બનાવ્યો

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વાહન ચોરી કરનાર શખસની વાડજ પોલીસેે ધરપકડ કરી છે. આરોપી યુવક ડુપ્લિકેટ ચાવી વડે વાહનોની ચોરી કરતો હતો. આરોપી ઝડપાતાં ૧૩ વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે અને વધુ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ બાતમીના આધારે હિતેશ જૈન (ઉ.વ.૩૭, રહે. સત્યમ્ એપાર્ટમેન્ટ, શાહીબાગ)ની ધરપકડ કરી હતી. આરોપી હિતેશની પૂછપરછ કરતા તેણે નવરંગપુરામાંથી ચાર, શાહીબાગમાંથી ત્રણ, કાગડાપીઠમાંથી એક, વેજલપુરમાંથી એક, આનંદનગરમાંથી બે અને ચાંદખેડા તેમજ વાડજમાંથી એક વાહનનો ચોરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની છે. પોતે ડુપ્લિકેટ ચાવી વડે કોઈપણ વાહનની ચોરી કરી લેતો હતો.

આરોપી હિતેશ દારૂ પીવાની ટેવ ધરાવે છે. તેની માતાએ હિતેશની ટેવ છોડાવવા માટે ચાર પાંચ મહિના અગાઉ હરિયાણા ખાતે દાખલ કર્યો હતો. છતાં દારૂની ટેવ છૂટી નહોતી અને ઘરેથી પૈસા મળતા ન હોવાથી તેણે વાહન ચોરી શરૂ કરી દીધી હતી. વાડજ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. વી.જી. રાઠોડે જણાવ્યું હતું કે આરોપી હિતેશના પિતા ગુજરી ગયા છે. શાહીબાગમાં દોઢ કરોડનો ફલેટ ધરાવે છે. પોતે દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી અને બેકાર હોઈ વાહન ચોરીના રવાડે ચઢી ગયો હતો. હાલમાં ૧૩ વાહનો ચોરીના ભેદ ઉકેલાયા છે.

You might also like