બે સુરતીલાલા યુવકો સેલવાસથી દારૂ ભરી લાવ્યા હતા, પોલીસે ઝડપી કાઢ્યા

રાજ્ય માં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂનું ચલણ વધી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં બુટલેગરો દમણ અને સેલવાસથી મોટાપાયે વિદેશી શરાબ ઘુસાડવાના અવનવા પ્રયાસો કરવા લાગ્યા છે. જોકે વલસાડ પોલીસે દમણ અને સેલવાસના તમામ નાકાઓ પર સઘન ચેકીંગ હાથ ધર્યું છે. આ વખતે સુરતના બે યુવાનો પાર્ટી કરવા દારૂની ખેપ મારતા ઝડપાયા છે.

દક્ષિણ ગુજરાતમાં થર્ટી ફસ્ટની ઉજવણી માટે દમણ અને સેલવાસથી મોટા પાયે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું સુયોજિત ષડયંત્ર બુટલેગરો ચલાવતા હોય છે. વાયા વાપી વલસાડ અને પારડીથી યેન કેન પ્રકારે બુટલેગર ગેંગ મોટા પાયે વિદેશી શરાબ સુરત તરફ ઠાલવતા હોય છે. જોકે આ વખતે પોલીસની ચોકસાઈ અને દમણમાં બુલેગરો પરની તવાઈને કારણે સુરતમાં વિદેશી દારૂ જવલ્લે જ મળી રહ્યો છે.

વલસાડ પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાર્સિંગ એક કારમાં દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જે માટે પોલીસે પણ સઘન તપાસ હાઈવે પર શરૂ કરી હતી. પોલીસની સામે બાતમીવાળી કાર આવતા જ પોલીસે ગાડીને અટકાવી તેને ઝડપી કાઢી હતી. આ કારમાંથી આશરે રૂ.26,400નો અંગ્રેજી બનાવટનો દારુ મળી આવતા પોલીસે રૂ.3 લાખની કાર અને રૂ.26,400નો દારુ મળી કુલ રૂ.3,26,400 નો મુદ્દામાલ સાથે બે યુવાનોની ધરપકડ કરી છે.

વલસાડ પોલીસે જ્યારે બંને યુવાનોની પૂછપરછ શરુ કરી ત્યારે તેમના નામ નિમેશ પટેલ અને અક્ષય પટેલ તરીકે જાણવા મળ્યા હતા. આ બંને યુવાનો સુરતના રહેવાસી છે. આ બંનેના ઘરમાં આવનારા દિવસોમાં લગ્નપ્રસંગ અને જન્મદિવસ આવવાનો હોઈ તેઓ પાર્ટી કરવા માટે દારૂનો જથ્થો લઈ આવ્યા હતા.

જો કે આ બંને યુવાનોએ પોલીસની બીકથી પોતાની ગાડીની નંબર પ્લેટ પણ બદલી હતી અને દારૂ લેવા માટે સેલવાસ પણ ગયા ન હતા. આ બંને જણાએ કોઈ આકાશ નામના ઇસમને વલસાડથી પોતાની ગાડી આપી દીધી હતી. આકાશ નામનો યુવાન સેલવાસથી દારૂ લઈને વલસાડ પહોંચ્યો હતો અને બાદમાં ગાડી નિમેશ અને અક્ષયને આપી દીધી હતી. જ્યાંથી બંને નબીરાઓ દારુ ભરેલી ગાડી લઇ ધરમપુર ચાર રસ્તા નજીક પહોંચતા જ પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા.

હાલ પોલીસે બંને નબીરાઓની ધરપકડ કરી આકાશ નામના યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હવે સુરતી લાલાઓએ દારૂની મિજબાની માણવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. આ કીમિયામાં લોકલ બુટલેગરનો ઉપયોગ કરતા હોવાની વાતનો ખુલાસો થયો છે. ત્યારે હવે આવનારા દિવસોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે પોલીસથી બચવા માટે સુરતીલાલાઓ બીજા કયા કીમિયા અપનાવે છે અને પોલીસ એમને પકડવામાં સફળ રહે છે કે કેમ એ જોવાનું રહ્યું.

You might also like