પીનારા સાવધાન! શહેરમાં ‘ડી’ માલ વેચવાનો બુટલેગરોનો ખતરનાક ખેલ

અમદાવાદ: રાજસ્થાનથી ઘુસાડાતા વિદેશી દારૂની ટ્રકોને પકડવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને બેઠી છે તેવામાં બુટલેગરોએ હવે પોતાના અડ્ડા પર ડુપ્લિકેટ દારૂ બનાવવાનુ શરૂ કરી દીધું છે. ઓઢવ વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસેના એક કારખાનામાં મિક્સિંગ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવવાની કામગીરીનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે કેલાક કુખ્યાત બુટલેગરો કેટલાંક કેમિકલો મિક્સ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચી રહ્યા છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી, જેમાં ગઇ કાલે મોડી રાતે ઓઢવ વિસ્તારમાં આવેલી કેનાલ પાસે કુખ્યાત બુટલેગર અશોક મારવાડીના કારખાનામાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવા મિની ફેક્ટરી ઝડપાઇ હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમે અશોક મારવાડીના કારખાનામાં દરોડા પાડીને દારૂ બનાવવાની મિની ફેકટરી ઝડપી પાડી છેઽ જેમાંથી ૬૦૦ કરતાં વધુ દારૂની ખાલી બોટલો, સંખ્યાબંધ બોટલ પર લગાવવા માટે વિદેશી બ્રાંડનાં લેબલ, બોટલોને સીલ પેક કરવા માટે બૂચ, ખોખાં અને દારૂ બનાવવા માટેનું કેમિકલ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી અશોક મારવાડી દારૂનો ધંધો કરે છે અને ગુજરાતમાં દારૂના ધંધામાં મોટું નામ ધરાવે છે. થોડાક સમય પહેલાં નડિયાદમાં ૪૦૦ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે અશોક મારવાડીની પોલીસે ધરપકડ કરી હતી. જેલમાંથી છૂટીને આવ્યા બાદ મારવાડીએ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાંચના દરોડા દરમિયાન અશોક મારવાડી વોન્ટેડ થઇ ગયો છે ત્યારે તેને શોધવા માટે ક્રાઇમ બ્રાંચે ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજસ્થાન બોર્ડર પરથી ટ્રેક, લકઝ્યુરિસ કાર તેમજ રિક્ષામાં ભરીને બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડતા હોય છે પરંતુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બોર્ડર પર બાજ નજર રાખતાં આ પ્રવૃત્તિ ઘણી ઓછી થઇ ગઇ છે. જેના કારણે હવે બુટલગેરો તેમના પોતાના અડ્ડા પર જ દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે. મિથેનોલ, દારૂ બનાવવાનું એસન્સ, સ્ટ્રીટ જેવાં કેમિકલો મિક્સ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવાય છે. એક બુટલેગરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે કેમિકલ મિક્સિંગની પ્રોસેસમાં મિથેનોલ કેમિકલ વધુ નાખવામાં આવે તો તે લઠ્ઠો બની જાય છે ત્યારે સ્ટ્રીટ નામનું કેમિકલ દમણથી લાવવામાં આવે છે. આ કેમિકલ જો યોગ્ય રીતે મિક્સ કરવામાં ના આવે તો દારૂ પીનાર વ્યકિતનું મોત નીપજે છે. ડુપ્લિકેટ દારૂ પીવાથી નશો થાય છે, પરંતુ તે ખતરનાક હોય છે જેથી તેનું સેવન કરનાર લોકોને જલદી સ્વાસ્થ્ય પર અસર દેખાય છે.

You might also like