ગોડાઉનમાંથી લાખોનો દારૂ ઝડપાયો

અમદાવાદ: શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ દ્વારા શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત ઓ નાબૂદ કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપી છે. જેના પગલે ગઇ કાલે ઝોન-ર ડીસીપી ઉષા રાડાની સ્કવોડ ન્યૂ રાણીપમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.૯.પ૪ લાખનાં વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝોન-ર ડીસીપી ઉષા રાડાની સ્કવોડના માણસોને બાતમી મળી હતી કે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સાબરમતી એસ્ટેટનાં એક ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેના આધારે સ્કવોડના માણસોએ ગઇ કાલે ગોડાઉનમાં દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૩૯ દારૂ ૪૧ પેટીઓ અને ૧૦ નંગ બોટલ જપ્ત કરી હતી. આશરે રૂ.૯.પ૪ લાખનો દારૂ પોલીસે કબજે કરી આરોપી ઉમેશ મયૂરભાઇ પટેલ (ઉ.વ.૪૬, રહે.કાશીવિશ્વનાથ સોસાયટી, રાણીપ)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી ઉમેશ પટેલની હાલ ધરપકડ કરી આટલો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કયાંથી લાવ્યો હતો. તેમજ અમદાવાદમાં અનય જગ્યાએ સપ્લાય થતો હતો કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે પોલીસ કમિશનર એ.કે. સિંઘ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

You might also like