કારમાં દારૂની હેરાફેરીઃ બોટલો ભરેલી ૧૯ પેટી પકડાઈ

અમદાવાદ: ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે શહેરમાં બુટલેગરો દારૂનો જથ્થો એકત્રિત કરવા લાગ્યા છે. બે દિવસ અગાઉ વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે પરથી નંબર પ્લેટ વિનાની કારમાંથી ૧૯ પેટી દારૂ પકડ્યો હતો, જ્યારે ગત મોડી રાતે પીસીબીની ટીમે બાતમીના આધારે એસજી હાઈવે પર ગુરુદ્વારા પાસે વોચ ગોઠવી ૧૯ પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી કાર મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી રૂ. ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ વસ્ત્રાપુર પોલીસે થલતેજ ગુરુદ્વારા નજીક નંબર પ્લેટ વગરની કારમાંથી ૧૯ પેટી દારૂ સાથે એક શખસની ધરપકડ કરી હતી. શહેરમાં ૩૧ ડિસેમ્બર નજીક આવતાં અગાઉથી જ બુટલેગરો દારૂનો જથ્થો મંગાવી સ્ટોક કરી રાખે છે, જેથી પોલીસ આવા દારૂના જથ્થાને શહેરમાં આવતો રોકવા સક્રિય બની છે. પોલીસ કમિશનરના તાબા હેઠળની પીસીબી ટીમને ગત રાત્રે બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો એસજી હાઈવે પર થઈ શહેરમાં ઘુસાડવામાં આવનાર છે, જેના આધારે પોલીસે ગુરુદ્વારા નજીક વોચ ગોઠવતાં એક શેવરોલેટ કાર આવી હતી.

કાર આવતાં પોલીસે તેને રોકી હતી, પરંતુ કારના ચાલકે કાર ભગાવી હતી અને થોડે આગળ જઈ કાર મૂકી કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં ૨૩૩ પરપ્રાંતના ઇંગ્લિશ દારૂની બોટલ્સ અને ૨૪ નંગ બિયરનાં ટીન મળી આવ્યાં હતાં. પોલીસે રૂ. ૯૬,૦૦૦નો દારૂ અને રૂ. ત્રણ લાખની કાર કબજે કરી કુલ રૂ. ૩.૯પ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like