દારૂ ભરેલી કાર મૂકી ડ્રાઈવર ભાગ્યો ને લોકોએ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘેરી લીધી

અમદાવાદ: નરોડા-દહેગામ રોડ પર આવેલા બિલાસિયા કંપા ગામ નજીક ગ્રામજનોએ દારૂ ભરેલી કાર સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને ઘેરી લીધી હતી. દારૂ ભરી અમદાવાદ આવતી કારની બાતમી મળતા દહેગામ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. કાર ચાલક પોલીસને જોઇ જતાં કાર દહેગામ તરફ ભાગી બિલાસિયા કંપા ગામના ખેતરમાં મૂકી નાસી ગયો હતો. ક્રાઇમ બ્રાંચે પીછો કરી ત્યાં પહોંચતાં ગ્રામજનોએ પોલીસને ઘેરી લીધી હતી. જોકે પોલીસે સમયસૂચકતા વાપરી ત્યાંથી નીકળી કારમાં તપાસ કરતાં રૂ.૧.૧૦ લાખનો દારૂ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. કે.આઇ જાડેજાને બાતમી મળી હતી કે ફોકસ વેગન પોલો કારમાં દારૂનો જથ્થો ભરી અમદાવાદમાં લવાઇ રહ્યો છે. જેથી પોલીસે એસ.પી. રિંગરોડ પર દહેગામ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં કાર આવતાં કારચાલકને દૂરથી પોલીસની જાણ થતાં તે કાર ટર્ન મારી દહેગામ તરફ નાસી ગયો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમે પીછો કરતાં બિલાસિયા કંપા ગામ નજીક ખેતરમાં કારચાલકે કાર મૂકી. તે પછી તે ત્યાંથી નાસી ગયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચતાં ગ્રામજનો પણ ત્યાં દોડી આવ્યા હતા. ગામમાં કોઇ ઘૂસ્યા હોવાનું માની પોલીસને ઘેરી લીધી હતી. ક્રાઇમ બ્રાંચની ઓળખ આપવા છતાં ગ્રામજનો માન્યા ન હતા. પોલીસ સમયસૂચકતા વાપરી ત્યાંથી નીકળી રિંગ રોડ પર આવી કારમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડનો કુલ ર૭૬ બોટલ રૂ.૧.૧૦ લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત મુદામાલ જપ્ત કરી દારૂ કોનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like