દારૂનો ધંધો શરૂ કરવો હોય તો પીઆઈ સાહેબને સાચવવા પડશે

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી માટે નવા કડક કાયદા બનાવવામાં આવ્યા છે ત્યારે દારૂના ધંધો શરૂ કરવા માટે પોલીસ અધિકારીને સાચવી લો એટલે ધંધો ચાલશે તેવો એક વી‌િડયો વાઇરલ થયો છે. આ વી‌િડયોમાં એક ગ્રાહક બુટલેગર પાસે દારૂ ખરીદવા જાય છે અને આ ગ્રાહક બુટલેગરને કહે છે કે તેને શાહીબાગ વિસ્તારમાં દારૂનો ધંધો શરૂ કરવો છે ત્યારે બુટલેગર જણાવે છે કે સેટિંગ કરાવડાવી દઈએ તેના માટે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ દેસાઇ સાહેબને વાત કરી લઈશું. તેઓને ખર્ચાપાણી પહોંચાડવાં પડશે અને એક જ પેટીની પરમિશન આપશે, પછી ધીરે ધીરે વધારી આપશે. સાહેબને સાચવવા પડશે અને દર મહિને વ્યવહાર સાચવી લેવો પડશે.

વીડિયોમાં બુટલેગર જ પીઆઈ સાથે વાત કરવાનું કહીને દારૂના ધંધાની શરૂઆત કરાવી દેવાની વાત કરે છે ત્યારે પીઆઈ અને બુટલેગર વચ્ચેના સંબંધો છતા થયા છે, જોકે આ વી‌િડયો કોઈ વ્યક્તિએ પીઆઈ અને પોલીસને બદનામ કરવા માટે બનાવ્યો હોય તેવી પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. જો પોલીસ આની સત્યતા ચકાસે તો સાચી હકીકત બહાર આવી શકે છે. નવાઇની વાત તો એ છે કે આ વી‌િડયોમાં જે દારૂની ડિલિવરી થઇ રહી છે તે અસારવા પોલીસચોકીની સામે જ થતી હોવાનું જણાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલા અસારવામાં દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા છે તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી ત્યારે આ વાઈરલ વી‌િડયો બાબતે ઉચ્ચ અધિકારી સ્થાનિક જવાબદાર પોલીસ અધિકારી સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ તે પણ સવાલ ઊભો  થયો છે. અા અંગે પીઅાઈ કિરણ દેસાઈનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
http://sambhaavnews.com/

You might also like