દારૂ તો બંધ થયો નહીં, પણ દારૂના ભાવ વધી ગયા છે

અમદાવાદ: ‘રાજ્ય સરકારે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે. અને સરકારનો ઇરાદો કદાચ સારો હશે. પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાને બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે’. આ શબ્દો છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ફોન પર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી વાતચીત કરનાર વ્યક્તિના. ફિક્સ પગારદાર તલાટી બાદ હવે પોલીસ કોન્સ્ટેબલે રાજયના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ સાથે ફોન પર કરેલી વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે.

ફોન પર વાતચીત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ ગોરધનભાઇ પટેલ તરીકે આપી છે. ઓડિયોમાં ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની અને દારૂનાં વેચાણમાં ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાની વાત કરી છે. સાથે કહે છે કે અમારા ફિક્સ પગાર ક્યારે ફૂલ પગારમાં બદલાશે.વાતચીતમાં નીતિનભાઈએ વ્યક્તિને તમે તમારું કામ કરો તમારી જવાબદારી નિભાવો અમે જાણી લઈશું તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

ઓડિયો ક્લિપના અંશ
કોલર : નમસ્કાર સાહેબજી
નીતિનભાઇ: નમસ્તે
કોણ ?
કોલર : મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું.
નીતિનભાઇ: હા
કોલર: રાજ્ય સરકારે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઇરાદો કદાચ સારો હશે પણ હકીકત એવી છે કે દારૂબંધ થવાને બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે, હું બાય પ્રોફેશન પોલીસ કોન્ટેબલ છું. લોકરક્ષક ફિક્સ પગારવાળો. તો મને થયું સાહેબની સાથે હું વાત કરું.
નીતિનભાઇ: તમે તમારું કામ કરો તમારી જવાબદારી નિભાવો. ફરજ બજાવો એટલે બધું પતી જાય. આપણે બધા પોતપોતાની ફરજ બજાવીએ.
કોલર: સર એક રિક્વેસ્ટ છે. હું મારી ફરજ બજાવું છું પણ જે ઉપરી અધિકારીઓ હોય છે. જેમની પાસે વધારે સત્તાઓ હોય છે એમની અને સરકારના લોકોની મિલિભગતથી આ બધું ચાલતું હોય છે. હું કોન્સ્ટેબલ છું.
નીતિનભાઇ: મને ખબર હોય કે ઉપલા અધિકારીને વધુ સત્તા હોય.
કોલર: ના સાહેબ આપને તો ધ્યાનમાં હોય આપ સરકારમાં બેઠા છો.
નીતિનભાઇ: તારું સાચું નામ કે…
કોલર: સાહેબ મારું નામ ગોપાલભાઇ ગોરધનભાઇ પટેલ બક્કલ નંબર 2199. અસલ નામ છે સાહેબ મારું. જો મારે નાયબ મુખ્યમંત્રીને ફોન કરવો હોય સર…
નીતિનભાઇ: ક્યું પોલીસ સ્ટેશન
કોલર: માધુપુરા
નીતિનભાઇ: માધુપુરા.. સારું ત્યારે જાણી લઇએ…
કોલર: સાહેબ તો આ હવે ફિક્સ પગાર અને જે…
ફોન કોલ કપાઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જસદણના યુવક અને નીતિન પટેલ વચ્ચેનો ઓડિયો વાઇરલ થયો હતો. જેમાં યુવકે ફિક્સ પગારદારોને લોલીપોપનું વિતરણ તમે કયારે કરવાના છો તેવો પ્રશ્ન કર્યો હતો. જે અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે લોકો મારી ભલમનસાઇનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like