પૂર્વમાં ‘રોયલ સ્ટેગ’ અને પશ્ચિમમાં ‘બ્લેક ડોગ’ની ડિમાન્ડ

અમદાવાદ: આવતી કાલે કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર હોઈ રાજકીય પક્ષો સમક્ષ ખાસ કરીને કહેવાતા કાર્યકરો દ્વારા જાતજાતની માગણીઓ થઈ રહી છે. ખાસ કરીને રાજકીય પક્ષોનો ખેસ ગળામાં પહેરીને ફરતા કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વિવિધ પ્રકારના દારૂની ખુલ્લેઆમ માગણી કરી છે.

કોટ વિસ્તાર સહિતના લઘુમતી સમાજના વિસ્તારોમાં આજે રાત્રે ચિકન માંસની મિજબાનીઓ પુરબહારમાં થશે. આ વિસ્તારોમાં તવા રાતભર ધમધમશે. રાજકીય પક્ષોએ મતદારોને અન્ય રીતે પણ આકર્ષવાના પ્રયાસો કર્યા છે. તેમાં પણ ખાસ કરીને યુવા કાર્યકરોને મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના તરફ જાળવી રાખવા માટે વિશેષ ધ્યાન આપ્યું છે. રાજકીય પક્ષોના આ કહેવાતા યુવા કાર્યકરોએ પણ હાલના અસમંજસ ભર્યા રાજકીય માહોલને ધ્યાનમાં રાખીને દારૂની માગણીને સંતોષવા જે તે રાજકીય પક્ષના અગ્રણીઓ ઉપર ખુલ્લેઆમ દબાણ વધાર્યું છે. તેમાં પણ પૂર્વ અને પશ્ચિમનો ભેદ નજરે પડ્યો છે.

પૂર્વ અમદાવાદમાં રાજકીય પક્ષો પોતાના સમર્થક યુવાનોને રોયલ સ્ટેગ, વ્હિસ્કી પૂરી પાડવાની ચક્ર ગતિમાન કર્યાં છે. આ દારૂ સસ્તો તેમજ રાજસ્થાન સરહદેથી સરળતાથી પ્રાપ્ત થઈ રહ્યો હોય રાજકીય પક્ષોએ રોયલ સ્ટેગની અનેક પેટીઓ ઉતારવા લીધી છે.

બીજી તરફ પશ્ચિમ અમદાવાદમાં યુવા કાર્યકરોએ સ્કોચની માગણી કરી છે. બ્લેક ડોગ અને જોની વોકર બ્રાન્ડની સ્કોચની ઈચ્છા યુવા કાર્યકરોની સંતોષવા માટે રાજકીય પક્ષોએ કવાયત આરંભી દીધી છે. જોકે આ દારૂ મોંઘો છે તેમ છતાં પણ પશ્ચિમ અમદાવાદ ઉપરાંત પૂર્વ અમદાવાદના પોશ વિસ્તારોમાં યુવા કાર્યકરોને ખુશમાં રાખવા રાજકીય પક્ષો શક્ય તેટલા પ્રયાસ કરશે.

You might also like