મેસી અફઘાનિસ્તાનના નાના પ્રશંસકને મળશે

કાબુલઃ આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોન મેસીના દુનિયાભરમાં પ્રશંસકો છે, પરંતુ મેસીને લઈને પાંચ વર્ષના એક બાળકની દીવાનગી હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આતંકવાદગ્રસ્ત અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં રહેતા મુર્તઝાને પોતાના હીરોની જર્સી ના મળી તો તેણે પ્લાસ્ટિકની જર્સી પહેરીને ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. પોતાના નાના પ્રશંસકનો ફોટો જોઈને મેસી હવે ખુદ તેને મળવા ઇચ્છે છે.

મુર્તજાની ઇચ્છા હતી કે તે પોતાના પ્રિય ફૂટબોલર મેસીની જર્સી પહેરીને ફૂટબોલ રમે, પરંતુ ગરીબ પરિવારના મુર્તજા માટે મેસીની ૧૦ નંબરની જર્સી મેળવવી એ એક સપના સમાન વાત હતી. મેસી પ્રત્યેની મુર્તજાની દીવાનગીને જોઈને તેના મોટા ભાઈ હુમાયુ (ઉં.વ.૧૫)એ પ્લાસ્ટિકમાંથી આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી તેના માટે તૈયાર કરી દીધી. હુમાયુએ જર્સી પર મેસીનું નામ અને જર્સી નંબર માર્કરથી લખી આપ્યા. બાદમાં પ્લાસ્ટિકની જર્સી પહેરીને ફૂટબોલ રમતા મુર્તજાની તસવીર ફેસબુક પર પોસ્ટ કરી દીધી. જોતજોતામાં થોડા દિવસમાં જ મુર્તજાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ તસવીરને લોકોએ ખૂબ પસંદ કરી. મેસીએ જ્યારે મુર્તજાની આ તસવીર જોઈ તો તેણે મુર્તજાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

મુર્તજાના ખેડૂત પિતાએ કહ્યું, ”અમારી પાસે મેસીના નંબરવાળી જર્સી ખરીદવાના પૈસા નહોતા.” લિયોન મેસીના પિતા જ્યોર્જ મેસીએ કહ્યું, ”સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મુર્તજાની તસવીર લિયોને જોઈ છે અનેતે પોતાના યુવાન પ્રશંસકને માટે કંઈક કરવા ઇચ્છે છે.”

અફઘાનિસ્તાન ફૂટબોલ ફેડરેશને જણાવ્યું કે, ”મુર્તજાને મળવા માટે મેસી ઉત્સુક છે. મુલાકાત કરાવવા માટે મેસી ફેડરેશનના સંપર્કમાં છે. જોકે હજુ સુધી દિવસ કે સ્થળ અંગે કોઈ નિર્ણય થયો નથી.”

You might also like