લિયોનેલ મેસી દુનિયામાં સૌથી વધુ કમાણી કરતો ફૂટબોલ ખેલાડી બન્યો

728_90

પેરિસઃ સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોના તરફથી રમતાે આર્જેન્ટિનાનાે લિયોનેલ મેસી દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનારો ફૂટબોલ ખેલાડી બની ગયો છે. મેસીએ આ યાદીમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ફ્રાંસના એન્ટોની ગ્રીઝમેન અને બ્રાઝિલના નેમારને પછાડી દીધા છે. ગત વર્ષે રશિયામાં યોજાયેલા ફિફા વિશ્વકપનો ખિતાબ જીતનારી ફ્રાંસની ટીમનાં સભ્ય ગ્રીઝમેન આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેને એક મહિનામાં ૩૩ લાખ યૂરોનું વેતન મળે છે. મેસી પોતાની ક્લબ તરફથી ૪૩૮ મેચમાં ૪૦૪ ગોલ કરી ચૂક્યો છે.

મેસીના એક મહિનાનું વેતન ૮૩ લાખ યૂરો (૬૭ કરોડ રૂપિયા) છે. ઇટાલિયન ક્લબ યુવેન્ટ્સ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વેતન ૪૭ લાખ યૂરો (લગભગ ૩૮ કરોડ રૂપિયા) છે. ફ્રાંસનાં ગ્રીઝમેન ૩૩ લાખ યૂરો (લગભગ ૨૬.૬૨) કરોડની કમાણી સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. સૌથી વધુ વેતન મેળવનારા ફૂટબોલર્સની આ યાદીમાં ચોથા અને પાંચમા ક્રમે નેમાર અને લૂઇસ સુઆરેઝનું નામ આવે છે.

બ્રાઝિલના ખેલાડી નેમારને દર મહિને ૩૦.૬ લાખ યૂરો (૨૪.૬૯ કરોડ રૂપિયા) મળે છે. ઉરુગ્વેના સ્ટ્રાઇકર સુઆરેઝને ૨૯ લાખ યૂરો (૨૩.૪૦ કરોડ રૂપિયા)નું વેતન મળે છે. સુઆરેઝ સ્પેનિશ ક્લબમાં મેસીની ટીમ બાર્સિલોના તરફથી જ રમે છે. વેલ્સનાં ગારેથ વેલ્સ આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે, તેનું વેતન ૨૫ લાખ યૂરો (૨૦.૧૮ કરોડ રૂપિયા) છે. બેલ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમે છે. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ટીમ છોડ્યા બાદ રિયલ મેડ્રિડનાં સૌથી મોંઘો ખેલાડી છે.

ફિલિપ કોટિન્હો આ લિસ્ટમાં સાતમા નંબર પર છે. તેનું એક મહિનાનું વેતન ૨૩ લાખ યૂરો (૧૮.૫૬ કરોડ રૂપિયા) છે. કોટિન્હો બાર્સિલોના તરફથી રમે છે. આ ઉપરાંત આ સ્ટાર ખેલાડીઓ જાહેરાતમાં ચમકીને પણ અઢળક કમાણી કરે છે. જ્યારે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીનું વાર્ષિક વેતન લગભગ ૭૦ લાખ રૂપિયા છે. આનો અર્થ એવો થયો કે મેસીની કમાણી સુનીલ છેત્રી કરતાં હજાર ગણી વધારે છે.

જો કે આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે પોતાના દેશ તરફથી સૌથી વધુ ગોલ કરવાની વાત આવે છે ત્યારે સુનીલ છેત્રીએ મેસી કરતાં વધારે ગોલ કર્યા છે. સુનીલ છેત્રીએ ભારત તરફથી રમેલી ૧૦૭ મેચમાં ૬૭ ગોલ કર્યા છે. મેસીએ આર્જેન્ટિના તરફથી રમેલી ૧૨૮ મેચમાં ૬૫ ગોલ કર્યા છે.

You might also like
728_90