સિંહોનું શહેર તરફ વધતું પ્રયાણ…

સાસણ, તાલાળા, કોડીનાર, તુલસીશ્યામ કે બૃહદ ગીરના કોઈ જંગલ વિસ્તારમાં સિંહ જોવા મળે તે સામાન્ય અને સ્વાભાવિક બાબત છે, પરંતુ જૂનાગઢના રહેણાક અને હર્યાભર્યા વિસ્તારમાં સિંહ આવી ચડે તો? એ પણ રડ્યોખડ્યો કે રસ્તો ભૂલેલો મારણ એક સિંહ નહીં, પરંતુ આખો સમગ્ર સિંહ પરિવાર જોવા મળે તો? જુલાઈ માસમાં જ આવા ત્રણ કિસ્સા બન્યા છે કે સિંહ જૂનાગઢ શહેર અને આસપાસના વસતી ધરાવતા વિસ્તારમાં પ્રવેશ્યા હોય.

૧૧ જુલાઈના રોજ જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક રાત્રે ૮ સિંહ વિહરતા જોવા મળ્યા. આ વિસ્તારના કોઈ રહીશે તેના મકાનમાંથી આ સિંહોનો વીડિયો ઉતાર્યો હતો અને બીજા દિવસે આ વીડિયો વાઈરલ થતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી. વીડિયો જોવામાં ભલે રોમાંચક લાગતો હોય પરંતુ આ વિસ્તારના લોકોમાં તો આ ઘટનાના પગલે ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે શહેરના ભરચક રહેણાક વિસ્તારમાં આઠ સિંહ આવી ચડે એ એક પ્રકારે ભયસ્થાન જ કહી શકાય.

બાદમાં ૧૭ જુલાઈ ને રવિવારની સાંજે છ વાગ્યાની આસપાસ જૂનાગઢની ભવનાથ તળેટીની શરૂઆતમાં એક સિંહણ ત્રણ સિંહબાળ સાથે જોવા મળી હતી. રવિવાર હોવાથી આ વિસ્તાર લોકોની ભીડથી ઉભરાતો હતો છતાં આ સિંહણ ત્રણ બાળસિંહો સાથે મુખ્ય રસ્તા નજીક આવી ચડી હતી. આ ઘટનાને નજરે નિહાળનાર લોકોના જણાવ્યા મુજબ માંસની દુર્ગંધ આવતા લોકોની નજર તે તરફ ખેંચાઈ હતી, જ્યાં એક સિંહ પરિવારે મારણ કરેલું હતું ને તે ત્યાં જ ઊભેલો હતો.

તેઓ મારણ કરવા અહીં આવ્યા હતા કે પછી મારણના કારણે અહીં સુધી પહોંચી ગયા હતા તે અંગે કોઈને ઝાઝી ખબર નહોતી. વનવિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ આ સિંહપરિવારને ફરી જંગલ તરફ ધકેલી દીધો હતો. કેટલાક લોકો આવી ઘટના પાછળનું કારણ જંગલના કેટલાક વિસ્તારોમાં પાણીનો અભાવ જણાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે જંગલમાં મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ્ પોકારી ગયેલા સિંહોનું પ્રયાણ શહેરો તરફ વધી રહ્યું છે.

૧૭ જુલાઈની આ ઘટનાને નજરે જોનાર અક્ષય પાબારી નામનો યુવાન કહે છે, “અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમે જોયું કે એક સિંહણ અને ત્રણ સિંહબાળ મારણ પાસે ઊભાં હતાં, પરંતુ લોકોને જોઈ આ પરિવાર ત્યાં જ અટકી ગયો હતો. તેઓ લોકોની ભીડથી પચાસેક ફૂટ દૂર હતાં. આવી ઘટનાઓના પગલે વનવિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ત્યાં જ હોવાથી તેમણે આ પરિવારને ફરી જંગલમાં મોકલી દીધો હતો.”

તો બીજી તરફ ૧૭ જુલાઈની મધરાતે પણ જૂનાગઢના અશોક શિલાલેખ નજીક પાંચ જેટલા સિંહો રસ્તો ઓળંગતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ ઘણો વાઈરલ થયો હતો.

જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસ. કે. મહેતાએ આ ઘટનાઓ અંગે કહ્યુ કે, “સિંહ ગીચ રહેણાક વિસ્તારમાં ઘૂસ્યા હોય તેવું નથી બન્યું પરંતુ તેઓ મુખ્ય રસ્તા પર નીકળી ફરી જંગલના રસ્તે જતા રહે છે. પહેલાં પણ આવી ઘટનાઓ બનેલી છે, પરંતુ તેમાં એકલદોકલ સિંહ જ જોવા મળ્યા છે. હવે સાત-આઠ સિંહ જોવા મળ્યા છે તે આશ્ચર્યજનક કહી શકાય. સામાન્ય રીતે સિંહો તેના સ્થાનને લઈને અમુક હલચલ કરતા રહેતા હોય છે, આવી ઘટના તેનો એક ભાગ કહી શકાય. જો કે આ ઘટના પાછળનાં ચોક્કસ કારણો જાણવાં હાલ અમે કેટલાંક સંશોધનો કરી રહ્યા છીએ.”

એક તરફ વધી રહેલો શહેરી વિસ્તાર અને બીજી તરફ સિંહોનું શહેર તરફ આગમન, આ બંને ઘટના પરથી અંદાજ મેળવવો મુશ્કેલ છે કે સિંહો માનવ વસતી તરફ ધસી રહ્યા છે કે પછી લોકો સિંહ વસતી તરફ ધસી રહ્યા છે?

You might also like