ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ પરના વેટના દરમાં ઘટાડો થાય તેવી શક્યતા

અમદાવાદ: આ વખતે રાજ્ય સરકારનું બજેટ પાછલાં વર્ષો કરતાં વહેલું આવે તેવી શક્યતાઓ છે ત્યારે રાજ્ય સરકાર બજેટમાં ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ પરના વેટના દર હાલ ૧૫ ટકા છે તેમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ મનાઇ રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે જાહેર કરેલ ડિજિટલ પેમેન્ટના પગલે મોબાઇલ થકી નાણાકીય લેવડદેવડ વધી શકે છે. એટલું જ નહીં આગામી દિવસોમાં જીએસટી આવે તેમાં પણ તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન થવાની વાત કેન્દ્ર સરકાર કરી રહી છે. આવા સંજોગોમાં મોબાઇલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની માગમાં વધારો થાય તેવી શક્યતા છે.

હાલ રાજ્યમાં ૧૫ ટકા મોબાઇલ પર વેટ છે, જ્યારે તેની સામે પાડોશી રાજ્યોમાં પાંચ ટકા મોબાઇલ પર વેટ લેવાય છે. આવા સંજોગોમાં કરચોરી પણ ઊંચી થાય છે અને તેના પગલે રાજ્ય સરકારને મોટી આવક ગુમાવવાનો વારો આવે છે. વેટના દર હાલ ૧૫ ટકા છે તેમાં ઘટાડો કરવામાં આવે તો સરકારને આવક વધે તો બીજી બાજુ ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર લોકભોગ્ય બજેટ આપે તેવી પણ એક શક્યતા જોવાઇ રહી છે, જેના પગલે ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ સહિત કેટલીક કોમોડિટીમાં વેટના દરમાં ઘટાડો કરાય તેવી શક્યતા જોવાય છે.

home

You might also like