ફુગાવાના કારણે રેટ કટની શક્યતા ઓછી, લોન સસ્તી થવાની સંભાવના ઓછી

મુંબઇ: એક બાજુ ટામેટાં સહિત વિવિધ શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી તો બીજી બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાદ્યતેલ ઉપર આયાત ડ્યૂટી વધારતાં, જ્યારે કઠોળની નિકાસને છૂટ આપતાં વિવિધ કઠોળના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે, જેના કારણે ફુગાવો વધી રહ્યો છે. વધતા ફુગાવાની અસરથી વ્યાજદરમાં ઘટાડાની આશા ઠગારી નીવડી શકે છે તેમ ઉદ્યોગ જગતના અગ્રણી સંગઠન એસોચેમે જણાવ્યું છે.

એસોચેમે વધુમાં કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ, જ્યારે ઘરઆંગણે શાકભાજીના ભાવમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાના કારણે લોકોના ખર્ચનું બજેટ ખોરવાઇ રહ્યું છે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે વાસ્તવિક અર્થમાં કહીએ તો આશા રાખવી જોઇએ કે પરિસ્થિતિ વ્યાજના દરને ઘટાડા તરફ લઇ જવાના બદલે ઉપર તરફ લઇ જાય તેવી ના થવી જોઇએ. સંગઠને દાવો કર્યો હતો કે રિઝર્વ બેન્કની કામગીરીનો રેકોર્ડ પણ એવું કહે છે કે તે વૃદ્ધિ માટે કામ કરવાના બદલે ફુગાવા સામે મોરચો માંડવાની તરફેણ કરે છે, જ્યારે સરકાર દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવાની ભલામણ આ સમયે યોગ્ય નથી. નોંધનીય છે કે આરબીઆઇનો રિટેલ ફુગાવાના દરને ચાર ટકાના દરે જાળવી રાખવાનો લક્ષ્યાંક છે.

લોન સસ્તી થવાની સંભાવના ઓછી
એચડીએફસી બેન્કના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે બેન્કોની લોન સસ્તી થવાની સંભાવના ઓછી છે. તેઓના જણાવ્યા પ્રમાણે બેન્કો પાસે ઓછા ખર્ચે મળતી નાણાકીય મૂડીની સુલભતા પૂરી થઇ ગઇ છે. લોન ઉપરના વ્યાજના દરમાં જેટલો ઘટાડો થવાનો હતો તેટલો ઘટાડો થઇ ચૂક્યો છે. હવે વધુ ઘટાડો થવાની સંભાવના ઓછી છે.

You might also like