લો ગાર્ડનના ખાણીપીણીની જેમ ચણિયાચોળી બજાર પણ હટાવાશે ?

અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રસિદ્ધ લો ગાર્ડનના ખાણીપીણી બજારના ૩૯ એકમનો સફાયો બોલાવી આશરે રપ૦ મીટરનો રસ્તો ખુલ્લો કરાયો હતો, પરંતુ લો ગાર્ડનના ચણિયાચોળી બજારના કારણે ટ્રાફિકનું દબાણ થતાં લોકોને સતત મુશ્કેલી પડે છે.

તેની સામે તંત્ર દ્વારા અગમ્ય કારણસર આંખ આડા કાન કરાઇ રહ્યા છે. લો ગાર્ડનને અડીને આવેલી ફૂટપાથ પર ઓટલા બનાવીને ધંધો કરતા ચણિયાચોળી બજારનાં ૧૧૦ જેટલાં યુનિટ છે. ચણિયાચોળી બજાર સાંજના પાંચ વાગ્યાથી ધમધમવા લાગે છે.

શહેર તેમજ શહેર બહારના લોકો મોટી સંખ્યામાં ખાણીપીણી બજારની જેમ ચણિયાચોળી બજારમાં ઊમટી પડે છે, જોકે મોટા ભાગના ખરીદનારાઓનાં વાહનો રોડ પર આડેધડ પાર્ક કરાતાં હોવાથી દરરોજ સાંજના સુમારે અત્રે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આ અંગે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહ તેમજ એસ્ટેટ વિભાગના વડા રાજેન્દ્ર જાદવનો સંપર્ક કરાતાં આ બંનેમાંથી એક પણ ઉચ્ચ અધિકારી સ્પષ્ટપણે કશું કહેવા તૈયાર નથી.

ર૦ વર્ષ પહેલાં એક ગ્રૂપ દ્વારા લો ગાર્ડનને અડીને આવેલી ફૂટપાથ પર ઓટલા બનાવીને ચણિયાચોળી બજાર શરૂ કરવા મોટા પાયે ધંધાર્થીઓ પાસેથી ખાસ્સી એવી રકમ પડાવાઇ હતી અને હવે તો જૂના ધંધાર્થીઓ બદલાઇને નવા ધંધાર્થીઓએ અ‌િડંગો જમાવી દીધો છે, જોકે સ્થાનિક સત્તાવાળાઓ ચણિયાચોળી બજારને ફૂટપાથ પરનું ગેરકાયદે દબાણ તરીકે માનતા નથી.

તેઓ કહે છે લો ગાર્ડનની ડિઝાઇનમાં ચણિયાચોળી બજારનો સમાવેશ કરાયો હોઇ તે કાયદેસર છે. જ્યારે બીજી તરફ બગીચા વિભાગનાં સૂત્રો કહે છે, લો ગાર્ડનની ડિઝાઇનમાં ક્યારેય ચણિયાચોળી બજારનો સમાવેશ કરાયો નથી એટલે આજે આ સમગ્ર બજાર ગેરકાયદે છે.

You might also like