રોશની માટે રૂ. ૫૯.૨૨ લાખ ચૂકવાયા બાદ મંજૂરી મંગાઈ!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં છાશવારે ઉદ્ઘાટન, ભૂમિપૂજન તેમજ મહાનુભાવોની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ વગેરેના કાર્યક્રમ કરવામાં આવે છે. છેલ્લા ચાર મહિનામાં આ પ્રકારના કાર્યક્રમોને અનુરૂપ રંગીન રોશનીનું બિલ જ રૂ.પ૯.રર લાખ ચૂકવાયું છે.

આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીના એજન્ડામાં લાઇટ વિભાગની દરખાસ્તે વિવાદનાં વમળ ઊભાં કર્યાં છે. છેલ્લા ચાર મહિનાના વિવિધ કાર્યક્રમોને અનુરૂપ રંગીન લાઇટથી રોશની માટે મ્યુનિ. તિજોરીમાંથી કર્ણાવતી લાઇટ એન્ડ સાઉન્ડને રૂ.રપ.૯૧ લાખ અને નરનારાયણી ઇલેક્ટ્રિકલ્સને રૂ.૩૩.૩ર લાખ મળીને કુલ રૂ.પ૯.રર લાખ ચૂકવાઇ ગયા છે. આટલી મોટી રકમના બિલ ચૂકવાયા બાદ કમિટીની મંજૂરી માટે મુકાયાં છે.

આ ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડા, રાણીપ અને સાબરમતી વોર્ડ માટે રૂ.ર.૮પ લાખ કરોડનો રોડ રિસરફેસિંગનો અંદાજ, પાલડી, વાસણા અને નવરંગપુરા વોર્ડ માટે રૂ.ર.૧૬ કરોડનો અંદાજ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયો છે. આગામી કમિટીમાં નારણપુરા, સ્ટેડિયમ અને નવા વાડજ વોર્ડના રસ્તાના રિસરફેસિંગનો આશરે બેથી અઢી કરોડનો અંદાજ મંજૂરી માટે મુકાશે.

જોકે આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિ. બોર્ડની મંજૂરીથી કાયદાકીય પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં પશ્ચિમ ઝોનમાં રોડ રિસરફેસિંગનાં કામો ચોમાસા બાદ એટલે કે આગામી નવરાત્રિથી દિવાળી દરમિયાન જ હાથ ધરાશે તેમજ નવા પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વિધાનસભાના ગોતા વોર્ડમાં આવેલી વસંતનગર ટાઉન‌િશપની જુદી જુદી વસાહતોમાં આરસીસી રોડ બનાવવાના કામના રૂ.૬ કરોડ અને પેવર બ્લોક લગાવવાના કામના રૂ.૪.ર૦ કરોડના અંદાજને પણ રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયો છે.

You might also like