યુપી-બિહાર સહિત ઝારખંડમાં વીજળી પડતાં 30નાં મોત, ભારે વરસાદને લઇ 12 રાજ્યોમાં હાઇ એલર્ટ

લખનઉઃ ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમ્યાન વીજળી પડવાથી શુક્રવારે 30 લોકોનાં મોત થઇ ગયાં છે. બિહારમાં 11, ઉત્તર પ્રદેશમાં 10 અને ઝારખંડમાં 9 લોકો વીજળીની ઝપેટમાંથી આવવાંથી તેઓ મોતનો ભોગ બન્યાં છે તેમજ બીજી બાજુ હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની પણ આશંકા દર્શાવી છે.

ત્યાં જ બીજી બાજુ દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તોફાની વાવાઝોડા સહિત ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યાનું અનુમાન છે. તમને જણાવી દઇએ કે મેંથી લઇને અત્યાર સુધીમાં તોફાન અને વીજળી પડવાંથી દેશભરમાં અંદાજે 350થી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.

બીજી બાજુ શુક્રવારે એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં જ અનેક શહેરોમાં વીજળી સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઇ ગઇ છે. જેથી બિહારનાં સહરસામાં 6, દરભંગામાં 4 અને મધેપુરમાં 1નું મોત થયાનાં સમાચાર સામે આવ્યાં છે.

જ્યારે ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 4, ચંદોલીમાં 3, બહરાઇચમાં 2 અને રાયબરેલીમાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું છે. ઝારખંડમાં પલામૂમાં 3, ચતરા અને બોકારોમાં 2-2, અને હજારીબાગ અને ગુમલામાં પણ 1-1નાં મોત થયાનાં સમાચાર સામે આવ્યાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગળ વધ્યું ચોમાસું:
મહત્વનું છે કે હાલમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ રહી છે. ત્યારે હવે ધીમે-ધીમે દક્ષિણનાં રાજ્યો સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. મહત્વનું છે કે યુપી, બિહાર સહિત મધ્ય પ્રદેશનાં કેટલાંક ભાગોમાં શુક્રવારે ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બંગાળાની ખાડીમાં 9-10 જૂન અને અરબ સાગરમાં કોંકણ અને ગોવાનાં કિનારે 12 જૂન સુધી તેજ પવન સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછળવાને લઇને એલર્ટ આપી દીધેલ છે.

આજે દેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદ અને તોફાનને લઇ હાઇ એલર્ટ આપવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સહિત હરદોઈ, મોરાદાબાદ, અમરોહ મેરથ, સીતાપુર અને બારાબંકી સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. તેવામાં બિહાર અને ઝારખંડમાં પણ ભારે આંધી તોફાન આવવા અંગે હાઇ એલર્ટ આપવામાં આવેલ છે.

You might also like