૧૬ વર્ષની આયુષીએ ૩૩૨.૫ કિલો વજન ઉઠાવીને ચાંદી જીતી

દીકરીઓ કેવી રીતે પોતાનાં માતાપિતાનું નામ રોશન કરે છે તેનું તાજું જ ઉદાહરણ છે ૧૬ વર્ષીય આયુષી વર્મા. ગરીબ પરિવારની આયુષીએ તાજેતરમાં જ ફગવાડા (પંજાબ)માં પૂરી થયેલી નેશનલ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં મધ્ય પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતાં સિલ્વર મેડલ જીત્યો.

સ્ટ્રેન્થ લિફ્ટિંગ ફેડરેશનના મોહનસિંહ રાઠોરે જણાવ્યું, ”આયુષીના પિતા સુરેશ વર્માનું થોડા સમય પહેલાં નિધન થયું. માતા સુનીતા વર્મા સિલાઈકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. એવી પરિસ્થિતિમાં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી આયુષી પાસે સુવિધાઓનો અભાવ હંમેશાં રહ્યો છે.

ડાયેટનો ખર્ચ કોચ રાજેશ્વર વર્મા ઉઠાવી રહ્યા છે. ઘરથી જિમ સુધીની ત્રણ કિ.મી.નું અંતર ચાલીને કાપનારી આયુષી મધ્ય પ્રદેશ માટે ઘણા મેડલ જીતી ચૂકી છે. આયુષીએ ફગવાડામાં સબ જુનિયર ૫૮ કિ.ગ્રા. વજન વર્ગમાં ભાગ લઈને કુલ ૩૩૨.૫ કિલો વજન ઉઠાવતા સિલ્વર મેડલ જીત્યો. આયુષી પાવર લિફ્ટિંગની પણ ખેલાડી છે અને ઇન્દોરની સ્પર્ધામાં આઠ મેડલ જીતી ચૂકી છે. આયુષીને બે વાર સ્ટ્રોંગ વુમનનો ખિતાબ પણ મળ્યો છે.

શું છે સ્ટ્રેન્થ લિફ્ટિંગ?
સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રણ વર્ગ હોય છે. પહેલો ઇનક્લાઇન્ડ બેંચ પ્રેસ હોય છે, જેમાં બાર ગરદન ઉપર રાખવાનો હોય છે. એ ઉપરાંત બાર કર્લિંગ અને હેડ સ્ક્વોટની સ્પર્ધા હોય છે. ત્રણેયના પોઇન્ટ મેળવીને વિજેતાનો નિર્ણય કરવામાં આવે છે.

You might also like