લિફ્ટમાંથી રેસ્ક્યૂ કરતાં પટકાયેલા આધેડનું મોત

અમદાવાદ: શહેરની વી.એસ. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ત્રીજા માળેથી નીચે આવતી લિફ્ટ બંધ થતાં રેસ્કયૂ દરમિયાન એક આધેડ બીજા માળેથી લિફ્ટના નીચેના ભાગે પટકાયા હતા, જેથી તેમને માથા, ઘૂંટણ અને કરોડરજ્જુમાં ગંભીર ઇજા થતાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. એ‌િલસ‌િબ્રજ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈસનપુર વિસ્તારમાં આવેલી ભીમનાથ સોસાયટીમાં હેમરાજભાઇ રબારી (ઉ.વ ૫૭) એએમટીએસમાં કન્ટ્રોલર તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે બપોરે હેમરાજભાઇ વીએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ એક સગાની ખબર જોવા ગયા હતા. તેઓ ટ્રોમા સેન્ટરના ત્રીજા માળેથી ‌િલફટમાં નીચે આવી રહ્યા હતા ત્યારે એકાએક લિફ્ટ બંધ થઇ ગઇ હતી, લિફ્ટમાં તે વખતે તેમની સાથે બે નર્સિંગ સ્ટુડન્ટ પણ હાજર હતા, જેથી તેમણે બૂમાબૂમ કરતાં હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક લિફ્ટ ખોલીને તેમને રેસ્કયૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

ટ્રોમા સેન્ટરના બીજા માળે ‌િલફટનો દરવાજો ખોલીને બે નર્સિંગ સ્ટુડન્ટને સ્ટૂલ મૂકીને કાઢવામાં આવ્યાં હતાં. પરંતુ લિફ્ટમાંથી બહાર નીકળવા જતાં હેમરાજભાઇનો પગ સ્ટૂલ પરથી ખસી જતાં તેઓ બીજા માળેથી લિફટની નીચેના ભાગમાં પટકાયા હતા. જેના કારણે તેમને માથા, ઘૂંટણ અને કરોડરજ્જુમાં ગંભીર ઇજા થતાં તેમને આઇસીસીયુમાં દાખલ કરીને વેન્ટિલેટર પર રાખીને સારવાર અપાઇ રહી હતી. દરમ્યાનમાં ગઈ કાલે રાતે તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે એ‌િલસ‌િબ્રજ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like